શર્મિષ્ઠા

પ્રાચીન સમયમાં શર્મિષ્ઠા એક પ્રાકૃતિક સરોવર હતું. તે કપિલા નદીના પાણીથી ભરેલું રહેતું હતું. આજથી ૪,૫૦૦ વર્ષ પૂર્વે, તેના દક્ષિણ-પૂર્વ કિનારા પર પ્રથમ માનવ વસાહત શરુ થઈ હતી. કેટલીક સદીઓ બાદ, આ વસાહતનો વિકાસ થતાં ત્યાં એક નગર જ વસી ગયું. સરોવરના કિનારા પત્થરોથી બાંધવામાં આવ્યા. તેમાં આવતા પાણીને નિયંત્રિત કરવા માટે ઉત્તર દિશામાં પત્થરનો એક મોટો કુંડ બાંધવામાં આવ્યો. કપિલા નદીનું પાણી પહેલાં કુંડના પૂર્વાભિમુખ દ્વારમાં વહેવડવવામાં આવતું હતું. કુંડમાં ભરાતા પાણીને તેના દક્ષિણના દ્વારેથી સરોવરમાં જવા દેવામાં આવતું હતું. જરુર પ્રમાણે આ દ્વાર ખોલ-બંધ કરી શકાતાં હતાં, તેથી સરોવરમાં માપસરનું પાણી ભરી શકાતું હતું. આ જાતની ઇજનેરી રચનાને કારણે વર્ષા ઋતુમાં જ્યારે કપિલામાં પાણીનું વહેણ ખૂબ વધી જતું, ત્યારે તેની તેજ ગતિ સરોવરના ઓવારઓને કોઇ જાતનું નુકસાન પહોંચાડી શકતી નહોતી અને કિનારા પરનાં મકાનો સુરક્ષિત રહેતાં હતાં. સરોવરમાં પૂરતું પાણી ભરાઇ રહે એટલે કુંડનું દક્ષિણનું દ્વાર બંધ કરી દેવામાં આવતું અને નદીનું વહેણ પશ્ચિમ તરફ ચાલ્યું જતું.

વર્ષા ઋતુ દરમિયાન કદાચ કપિલાના વહેણમાં ઘણા સાપ વહી આવતા હશે અને તેનાં દ્વાર બંધ થઈ જતાં કુંડમાં ફસાઇ જતા હશે. કદાચ આ જ કારણથી આ કુંડનું નામ "નાગધરો" પડ્યું હશે. આજે પણ શ્રાવણ માસમાં નાગપંચમીને દિવસે લોકો અહીં આવીને નાગ-દેવતાની પૂજા-અર્ચના કરે છે અને તે દિવસે અહીં મોટો મેળો પણ ભરાય છે.

શર્મિષ્ઠા સરોવરનું આખું સંકુલ - સરોવર, મધ્યમાં આવેલ બેટ, સરોવરના તળિયે ભૂતળમાં પાણી ઉતારવા માટે બનાવેલા કૂવા, પત્થરોથી બાંધેલા કિનારા, નાગધરો, પાણી ભરવા માટેનાં દ્વાર, વધારાનું પાણી બહાર વહેવડાવી દેવા માટેનો રસ્તો, અને કપિલામાંથી કાઢેલી નહેર - આ નગરના પ્રાચીન સમયના સ્થપતિઓના ઉચ્ચ કૌશલ્યનો અપ્રતિમ નમૂનો છે. જ્યારે સરોવરમાં પાણી ભરેલું હોય છે ત્યારે તેના તળિયે દક્ષિણ-પશ્ચિમ દિશાએ બનાવેલા કૂવા દેખાતા નથી. આ કૂવાઓ દ્વારા જમીનમાં જે પાણી ઉતરે છે તેનાથી ભૂગર્ભમાં ઝરણાં ઉત્પન્ન થાય છે. આ ઝરણાંઓને લઈને નગરમાં આવેલા સંખ્યાબંધ કૂવાઓ શુધ્ધ પાણીથી ભરાયેલા રહેતા હતા. જો કોઇ વરસે વરસાદ ઓછો થતો અથવા બિલકુલ ન થતો, તો પણ સરોવરની અંદર આવેલા આ કૂવા તેમાં ભરપૂર રીતે ઉતરેલા પાણીને કારણે ભરેલા રહેતા હતા અને નગરના લોકોની પાણીની જરુરિયાત સંતોષતા.



આજે તો શર્મિષ્ઠાનું સમગ્ર પ્રાચીન સરોવર-સંકુલ બિસમાર હાલતમાં છે. તેના સુંદર કોતરણીવાળા પત્થરોથી બાંધેલા પાકા ઓવારા અદૃષ્ય થઈ ગયા છે. પાછલાં પચાસેક વર્ષોમાં આ અમૂલ્ય પ્રાચીન પત્થરો કદાચ ચોરાઇને પ્રાચીન ચીજ-વસ્તુઓના સંગ્રહકારોના હાથમાં ચાલ્યા ગયા હશે. તાજેતરનાં વર્ષોમાં તેના દક્ષિણ-પશ્ચિમ કિનારાના થોડા ભાગમાં ઉતાવળે કરવામાં આવેલું આધુનિક બાંધકામ સરોવરની પ્રાચીનતાને અનુરુપ નથી લાગતું. વળી, તે ટકાઉ પણ સાબિત નથી થયું.

આવશ્યકતા તો એ વાતની છે કે, આખા સરોવર-સંકુલ વિષે પૂરેપૂરો વિચાર કરીને તેની પ્રાચીનતા જળવાય તેવી રીતે પુનઃ નિર્માણનું કાર્ય કરવામાં આવે. આ માટે પ્રાચીન શૈલીના શિલ્પકામના નિષ્ણાત કારીગરો અને સ્થપતિઓને જવાબદારી સોંપવી જોઇએ. અદ્વિતિય પુરાતત્વીય મહત્વ ધરાવતાં સ્થળોના પુનઃનિર્માણ માટેની વિશ્વનાં અન્ય સ્થળોએ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલી યોજનાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ. એ ન ભૂલવું જોઇએ કે શર્મિષ્ઠાએ નગરને જન્મ આપ્યો અને આજે પણ તે જ નગરનું હાર્દ છે.



શર્મિષ્ઠાની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મહાભારતમાં યયાતિની જે કથા કહેવાઇ છે અને તેમાં જે સરોવરની વાત આવે છે, તે જ શું આ શર્મિષ્ઠા છે?
અર્જુનબારી દરવાજો

છ દરવાજા

સન ૧૧૫૨ માં સોળંકી નરેશ કુમારપાળે બંધાવેલો છ દરવાજાવાળો એક રક્ષણાત્મક કિલ્લો આખા જુના નગરની આસપાસ હતો. શર્મિષ્ઠા સરોવરના તટ પર પૂર્વ દિશા સંમુખ સ્થિત અર્જુનબારી દરવાજા પર લગાવવામાં આવેલી પત્થરમાં કોતરેલી તકતીઓ પરનું લખાણ આ બાબતનું પ્રમાણ પૂરુ પાડે છે. આજે તો કિલ્લાની મોટા ભાગની દિવાલ નષ્ટ થઈ ચૂકી છે, પરંતુ છમાંથી પાંચ ભવ્ય દરવાજા લગભગ અખંડ ઊભા છે. દરેક હયાત દરવાજો જુદી જુદી પરિકલ્પના (ડિઝાઇન) માં બનાવવામાં આવ્યો છે. આ ઉચ્ચ કક્ષાની કારીગરીના અમૂલ્ય નમૂના છે.



દરવાજાઓની દિવાલો પર ઠેર ઠેર વેરાયેલાં કેટલાંયે સુંદર શિલ્પો છે. જેમ ખાજુરાહો અને અન્ય કેટલાંક સ્થળોએ જોવા મળે છે, તેમ અહીં પણ કેટલાંક રોમાંચભર્યાં કમનિય શિલ્પ નજરે પડે છે. આ ઘણા નાના કદમાં ઊંચે લગાડેલાં છે. પરંતુ, આવી સાર્વજનિક જગ્યાઓ પર આવાં શિલ્પો હોવાં તે હકીકત, એ બાબતનું પ્રમાણ છે કે મનુષ્યમાં રહેલી કામ-વૃત્તિને તે જમાનામાં ખુલ્લા મનથી જોવામાં આવતી હતી.



નદીઓળ દરવાજો, જેનો શબ્દશઃ અર્થ 'નદી તરફનો દરવાજો' થાય છે, કંઇક સારી સ્થિતિમાં રહ્યો છે. તેના ઉપર જે શિલ્પો છે, તે બધાથી વધારે સુંદર છે.


સોલંકી શાસક

ત્રણ સદીઓ કરતાં પણ વધારે સમય સુધી સોલંકી શાસકોએ વડનગરના ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી. સન ૯૪૨ માં મૂળરાજે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી અને તેણે માળવાના શાસકોને વડનગર અને તેની આસપાસના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા. માળવાના શાસકોએ આ નગરનું ભરપૂર શોષણ કર્યું હતું અને તેને કારણે તે તેની જાહોજલાલી ખોઇ બેઠું હતું. મૂળરાજ સોલંકી ઘણો સક્ષમ શાસક હતો. તેણે સન ૯૪૨ થી ૯૯૫ જેટલી ૫૩ વર્ષની અવધિ સુધી રાજ કર્યું અને ગુજરાતને સ્થિરતા તથા સમૃધ્ધિ પ્રદાન કરી. તેના શાસનની સાથે જ ગુજરાતની રાજધાની પાટણ માટે જ નહીં, પરંતુ વડનગર માટે પણ સુવર્ણયુગની શરુઆત થઈ.



નગરમાં કેટલાંયે નવાં મંદિરો બનાવવામાં આવ્યાં અને પુરાણાં મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. શર્મિષ્ઠાના દક્ષિણ કિનારા પર એક મોટા સુયોજીત બજારે આકર લીધો. પત્થરોથી ઢંકાયેલા પાકા રસ્તા બનાવવામાં આવ્યા. નગરને અન્ય પ્રદેશો સાથે જોડતા રસ્તાઓને કિનારે મુસાફરો માટે કૂવા અને વાવો બાંધવામાં આવી.



આજે વડનગરમાં જેટલાં પણ શિલ્પ દેખાય છે, તેમાંનાં મોટા ભાગનાં સોલંકી યુગમાં બન્યાં હતાં.



વડનગરના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યની સમજ ધરાવવાને કારણે જ સોલંકી નરેશ કુમારપાળે સન ૧૧૫૨ માં નગરના કિલ્લાનું પુનઃનિર્માણ કરાવીને તેને વધારે મજ્બૂત બનાવ્યો.



લગભગ તેરમી સદીના અંત સુધી આ નગર સોલંકીઓના શાસન નીચે સુરક્ષિત રહ્યું અને તેના વેપાર-ઉદ્યોગની વૃધ્ધિ થતી રહી. સન ૧૨૯૭ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું. સુલતાનના લશ્કરે વડનગર પર હુમલો કર્યો, તેને લૂંટ્યું, સળગાવ્યું, અને તેના આગેવાન નાગરિકોની કતલ કરી. મજબૂત કિલ્લો કોઇ કામ ન આવ્યો, કેમકે તેનું રક્ષણ કરનાર કોઇ સૈન્ય ત્યાં હતું જ નહીં.


યુનાની અનુસંધાન

ઇસવીસન પૂર્વે ૩૨૬ માં, યુનાનથી નીકળેલો મેસેડોનિયાનો મહાન સિકંદર, કે જે 'એલેક્ઝાંડર ધી ગ્રેટ' ના નામથી પ્રખ્યાત થયો, વિશ્વવિજેતા બનવાની અભિલાષામાં ભારતની સીમા સુધી પહોંચી ગયો. તે સમયમાં, આજના ભારત અને પાકિસ્તાનમાં વહેંચાઇ ગયેલો આખો પંજાબ પ્રદેશ પોરસ નામના રાજાના અધિકાર નીચે હતો. ઝેલમના યુધ્ધમાં સિકંદરે પોરસને પરાજિત કરીને પંજાબથી લઈને ગુજરાતની સીમાઓ સુધી ફેલાયેલો પશ્ચિમ ભારતનો એક મોટો ભાગ પોતાના કબ્જામાં કરી લીધો. હવે, સિકંદરની ઇચ્છા પૂર્વ તરફ આગળ વધવાની હતી. આમ તો, પંજાબ જેવા સીમાવર્તી રાજ્યના પોરસ પાસે ઉત્તર-પૂર્વમાં સ્થિત મગધ નરેશ ચંદ્રગુપ્ત અને તેના જેવા અન્ય શક્તિશાળી રાજવીઓ જેવી ખાસ કોઇ મોટી સેના નહોતી, તેમ છતાં જે બહાદૂરી અને જુસ્સાથી તેણે સિકંદરનો સામનો કર્યો તેનાથી સિકંદરની સેના હતપ્રભ થઈ ગઈ અને તેનો ઉત્સાહ ધીમો પડી ગયો. તેના બધા સેનાપતિઓ એ વાતે ભયભીત થઈ ગયા કે, એક નાનકડા સીમાવર્તી રાજ્યની સેના આવો દૃઢ સામનો કરી શકે છે, તો ખરેખર મોટા રાજ્યની સેનાઓ કેટલી બધી શક્તિશાળી હશે. સિકંદરના મોટા ભાગના સેનાપતિઓ અને સૈનિકો હવે વધારે આગળ વધવાની વિરુધ્ધ થઈ ગયા અને બળવો પોકારી ઊઠ્યા. તેમણે સિકંદરને ભારત પર વિજય મેળવવાની મહત્વકાંક્ષા છોડીને સ્વદેશ તરફ પાછા વળી જવા માટે વિવશ કરી દીધો. તેણે પૂર્વમાં આગળ વધવાનો ઇરાદો તો છોડી દીધો, પરંતુ પોતાના સેનાપતિઓ અને સેનાને સિંધુ નદીને કિનારે કિનારે અરબી સમુદ્ર તરફ આગળ વધવા માટે સમજાવી લીધા. પંજાબની ઉત્તરમાંથી સિંધુને રસ્તે આગળ જતાં પહેલાં, તેણે પોતાના સ્થપતિઓ અને કારીગરોને બીઆસ નદીના તટ પર યુનાનના ઓલમ્પીઅન દેવોને અર્ઘ્ય આપવાને વાસ્તે વેદીઓનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો.

આઠસો નૌકાઓનો એક મોટો બેડો બનાવવામાં આવ્યો હતો અને સિકંદરની અડધી સેના નૌકાઓ પર સવાર થઈને અને બાકીની અડધી સેના સિંધુના બંને કિનારા પર કૂચ કરતી આગળ વધી. સિકંદર અને તેની સેનાએ તે રસ્તે જે કંઇ ગતિરોધનો સામનો કરવો પડ્યો તેના પર તેમણે સહેલાઇથી કાબૂ મેળવી લીધો, કેમકે તે ક્ષેત્રમાં કોઇ મોટાં શક્તિશાળી રાજ્યો નહોતાં. ઇસવીસન પૂર્વે ૩૨૫ના જુલાઇ માસમાં તે અરબી સમુદ્ર આગળ સિંધુ નદીના મુખ પાસે પહોંચી ગયો. સિંધુ નદીની બંને પ્રશાખાઓને રસ્તે છેક અરબી સમુદ્રના કિનારા સુધીના સમગ્ર પ્રદેશની તેણે તપાસ કરી. અહીંથી તેણે પોતાની અડધી સેનાને સમુદ્રના રસ્તે યુનાન તરફ પાછી મોકલી અને તે પોતે બાકીની અડધી સેના લઈને જમીન માર્ગે પોતાના વતન તરફ પાછો વળ્યો.



સિકંદર એક મહાન વિજેતા જ નહીં, પરંતુ એક સમજદાર ફિલસૂફ પણ હતો. જેટલો સમય તે ભારતમાં રહ્યો તેમાં તેણે ભારતીય તત્વજ્ઞાનીઓ અને પંડિતોને આમંત્રિત કર્યા અને તેમની સાથે વાદ-વિવાદ કર્યો. તણે પોતાના સૈનિકોને સ્થાનિય લોકો સાથે હળવા-મળવા અને અહીંની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી. જો તેના વિવાહિત સૈનિકો ઇચ્છતા હોય, તો તેઓ ભારતમાં સ્થાયી થઈને રહી શક્તા હતા. આ ઉપરાંત, સિકંદર તેના ઘણા પ્રતિનિધિઓને ભારતમાં મૂકી ગયો હતો. જ્યારે તેની સેનાએ કચ્છના પ્રદેશથી યુનાન તરફ પાછા વળવાનું શરુ કર્યું, ત્યારે ઘણા યુનાનીઓએ પાછા જવાના કઠિન રસ્તે પડનારી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે ભારતમાં જ રહી જવાનું પસંદ કર્યું. સિકંદરે તેમની ઇચ્છા આડે આવ્યો નહીં, ઉલટાનું તેણે તેમને પ્રોત્સાહિત કર્યા. સિકંદર ઇચ્છતો હતો કે, ભલે તે ભારત પર વિજય ન મેળવી શક્યો, પરંતુ તે હંમેશ માટે ભારત પર યુનાનની છાપ છોડતો જાય.

ઇસવીસન પૂર્વે ૩૨૫ માં કચ્છ વિસ્તાર આનર્ત પ્રદેશનો પશ્ચિમી સીમાવર્તી ભાગ હતો. અને આનર્ત પ્રદેશની રાજધાની આનર્તપુર (જેને આજે આપણે વડનગરના નામથી ઓળખીએ છીએ) ખૂબ જ સમૃધ્ધ નગર હતું. સિકંદરની સેનાથી વિખૂટા થયેલા આ યુનાનીઓ પોતાના દેશમાં નગરોમાં રહેવાવાળા હતા, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ આનર્તપુરથી આકર્ષિત થઈને કચ્છથી તે તરફ જવા નીકળી પડ્યા અને ત્યાં પહોંચીને તે નગરમાં વસી ગયા. યુનાનીઓ ઉજળા વાનવાળા, વાંકડિયા વાળવાળા, તેજસ્વી આંખોવાળા, સુડોળ શરીર-સૌષ્ઠવવાળા, અને બુધ્ધિમાન હતા. ભારતીયોની જેમ જ તેઓ પણ અનેક દેવી-દેવતાઓના પૂજક હતા. યુનાનથી ભારત સુધી આવતાં રસ્તામાં તેમણે ઘણાં નગરો અને રાજ્યો પર વિજય મેળવ્યો હતો, અને લૂટમાં બહુ ધન-દોલત એકઠી કરી હતી.

સિકંદરની સેનામાંથી છૂટા પડેલા બધા યુનાનીઓ સૈનિકો નહોતા. તે સમયમાં સૈન્યની સાથે સૈનિકોની વિભિન્ન જરુરિયાતો પૂરી પાડવા માટે ઇજનેરો, જુદી જુદી જાતના કારીગરો, રસોઇયાઓ, નાચ-ગાન અને અન્ય મનોરંજન કરનારા, સામાન્ય મજૂરો, વગેરે અનેક જાતના લોકો પણ રહેતા. આવા મિશ્ર પ્રકારના યુનાનીઓનો સમૂહ આનર્તપુર આવ્યો. આ યુનાની સમૂહમાં પરુષો વધારે અને સ્ત્રીઓ ઘણી ઓછી સંખ્યામાં હતી. પરંતુ તેમાંના અવિવાહિત પરુષોને આ નગરની સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરવામાં કોઇ મુશ્કેલી નડી નહી, કેમકે તેમની પાસે એક અવિવાહિત સ્ત્રી ઇચ્છે તે બધું જ હતું. થોડાક જ વખતમાં તેઓ આ નગરના લોકોમાં પૂરેપૂરા ભળી થઈ ગયા. હાટકેશ્વર જેમના ઇષ્ટદેવ છે તે નાગર સમાજની ઉત્પત્તિ વિષે જે અનેક માન્યતાઓ પ્રચલિત છે તેમાંની એક એ છે કે, સિકંદરની સેનાથી વિમુક્ત થઈને જે યુનાનીઓ આ નગરમાં આવ્યા તેમનાથી સંમિશ્રિત થઈને ઉત્પન્ન થયેલો તે સમાજ છે.



ઘણો સમય વીતી ગયા બાદ, આજે પણ આ માન્યતા પ્રવર્તે છે. શર્મિષ્ઠાને કિનારે અને અન્ય સ્થળે થયેલા પુરાતવીય ઉત્ખનનમાંથી જે યુનાની સિક્કા અને અન્ય અવશેષો પ્રાપ્ત થયા છે તે આ માન્યતાની પુષ્ટિ કરે છે. નાગરોમાં પ્રવર્તમાન વ્યાપક માન્યતા કે, તેઓ કચ્છથી આવ્યા છે તે પણ મજબૂત મૂળ નાંખીને પડેલી જોવા મળે છે. આ સહેલાઇથી ઉવેખી શકાય તેમ નથી. નાગરો અને યુનાનીઓમાં જે શારીરિક સામ્યતા જોવા મળે છે, તેની ઉપેક્ષા કરવાનું પણ મુશ્કેલ લાગે છે. તેમનામાં નગરોમાં વસવાટ કરવા પ્રત્યે જે નૈસર્ગિક વૃત્તિ છે, તે જાણે કે જૈનિક પ્રકારની દેખાય છે.

યુનાની લોહી નાયક અને સોમપુરા જેવી અન્ય કોમોની નસોમાં પણ વહેતું હશે. યુનાનીઓ નાટ્ય અને શિલ્પ જેવી કળાઓમાં બહુ નિપૂણ હતા. જુના વખતમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાં સંગીત અને નૃત્ય કળાનો તો વિકાસ થયો હતો, પરંતુ વડનગરના નાયકો નાટ્ય કળામાં અગ્રેસર હતું. તેવી જ રીતે, અહીંના 'સોમપુરા' તરીકે ઓળખાતા શિલ્પકારોએ યુનાની શિલ્પોમાં જે યથાર્થતા અને સફાઇ જોવા મળે છે તેને જ પ્રતિબિંબિત કરતાં શિલ્પોનું સર્જન કર્યું. પુરાતત્વીય અન્વેષણોથી ભવિષ્યમાં કોઇ દિવસ આપણને યુનાની અનુસંધાનની નક્કર સાબિતીઓ મળી શકે.

ગ્રીસમાં એથેના દેવીનું મંદિર>

અત્યારસુધી તો વડનગરમાં બહુ થોડા પ્રમાણમાં પુરાતત્વીય ઉત્ખનન થયું છે. અને, જે કંઇ ઉત્ખનન થયું છે તે પણ પુરાણા નગરની બહારનાં સ્થળોએ થયેલું છે. જેના પર જુનું નગર વસેલું છે તે, લગભગ ચાર ચોરસ કિલો મીટરના કૃત્રિમ ટેકરા પર તો કોઇ પુરાતત્વીય ખોદકામ થયું જ નથી. એમ બને કે, આ ટેકરામાં જ અમૂલ્ય પુરાતત્વીય ખજાનો સમગ્ર વિશ્વની સમક્ષ ખુલ્લા થવાની રાહ જોતો દટાયેલો પડ્યો હોય!
બસો વર્ષથી પણ પુરાણું વટવૃક્ષ
વૃધ્ધનગર

સમયના વહેણ સાથે, આનંદપુર જ્યારે બહુ પુરાણું અને જીર્ણ થઈ ગયું ત્યારે લોકો કહેવા લાગ્યા કે તે હવે વૃધ્ધ નગર થઈ ગયું છે. માળવા તરફથી એક પછી એક હુમલાખોરો તેના પર ચઢી આવ્યા. ધીમે ધીમે તેના વ્યાપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા. તેની ઝાકઝમાળ પહેલાંના જેવી રહી નહીં. આ એક એવું નગર હતું કે જેનાં મંદિરો, આવાસ, અને ગલીઓ સુધ્ધાં કોઇ વૃધ્ધ માણસની જેમ પુરાણાં થઈ ચૂક્યાં હતાં. નગર ભલે જુનું થઈ ગયું, પરંતુ હજી પણ તે સંગીત, નાટ્ય, શિલ્પ, અને વાસ્તુશાસ્ત્ર જેવી કળાઓમાં આગળ પડતું હતું તથા વિદ્યા અને વેપારનું મથક હતું. પરંતુ, તેનો આગળ વિકાસ અટકી ગયો. કેટલાક વખત સુધી તે વૃધ્ધનગર તરીકે ઓળખાતું રહ્યું. છેવટે, તેનું અપભ્રંશ થઈને કે પછી તેની ચારેકોર આવેલાં વડનાં સંખ્યાબંધ વૃક્ષોને લઈને નગરનું નામ વડનગર થઈ ગયું.


ચમત્કારપુર

પુરાણા સમયમાં કોઢની વ્યાધિથી પીડિત ચમત્કાર નામનો એક રાજા જ્યારે આ નગર પાસે આવેલા શક્તિતીર્થ નામના સરોવરમાં સ્નાન કરવાથી કોઢથી મુક્ત થઈ ગયો, ત્યારે તે એટલો તો ખુશ થઈ ગયો કે તેણે આ નગરનું પુનઃનિર્માણ કરાવ્યું અને તેનું નામ પણ બદલીને ચમત્કારપુર પાડી દીધું.

ચમત્કાર રાજાની વાત કંઈક એવી છે કે, એક દિવસે મૃગયા (શિકાર) કરતાં કરતાં તેણે બે હરણનો પીછો કર્યો. આ બે હરણમાં એક નર હતો અને બીજી માદા હતી. રાજાએ જ્યારે બાણ છોડ્યું ત્યારે તે નર હરણને વાગ્યું અને તે મરી ગયો. આનાથી તેની હરણી અત્યંત દુઃખી થઈને તડપી ઊઠી અને તેણે રાજાને શ્રાપ આપ્યો કે, તેના આખા શરીરે કોઢ નીકળે અને તે પણ તેનાથી દુઃખી થાય. હવે, આ શ્રાપને કારણે જ્યારે ચમત્કાર રાજાના શરીરે કોઢ થઈ ગયો, ત્યારે તેની બધી રાણીઓ અને રાજ્યના સર્વ પ્રજાજનો તેનો તિરસ્કાર કરવા લાગ્યા.

અનેક ઉપચારો કરવા છતાં તેનો કોઢ મટ્યો નહીં. રાજા તો દુઃખી દુઃખી થઈ ગયો. અંતે, એક મોટા ઋષિએ તેને સલાહ આપી કે શક્તિતીર્થ નામના સ્થળે આવેલા સરોવરમાં સ્નાન કરવાથી તેનો કોઢ મટી શકે. તે સરોવરની શોધ કરતો આ નગરની પાસે આવ્યો, અને તે સરોવરના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં જ તે સાચેસાચ કોઢથી મુક્તિ પામ્યો. વ્યાધિ-મુક્ત થતાં તે એટલો તો ખુશ થયો કે તેણે તે નગરમાં અનેક ભવ્ય મંદિરો અને આકર્ષક પ્રાસાદનું નિર્માણ કરાવીને તેને અત્યંત સુંદર બનાવી દીધું.

* * *

યાજ્ઞવલ્ક્ય


આ ચમત્કારપુરમાં જ, પિતા બ્રહ્મરથ અને માતા સુનંદાને ઘેર, પ્રખ્યાત ઋષિ યાજ્ઞવલ્ક્યનો જન્મ થયો. યાજ્ઞવલ્ક્યનો અર્થ થાય છે "વેદોના જાણકાર." તેઓ એક મહાન વિદ્વાન બન્યા. તેમણે 'યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ' નામનો ગ્રંથ લખ્યો. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને અનેક શિષ્યો તેમના આશ્રમમાં અભ્યાસ કરવા આવતા હતા. યાજ્ઞવલ્ક્ય વિષે અનેક રસપ્રદ બોધકથાઓ છે.

બૃહદરણ્યક ઉપનિષદ (૩.૯.૧) માં આપેલી એક વાત વિદગ્ધ નામના એક શિષ્ય વિષે છે. આ શિષ્યને એ જાણવાની જિજ્ઞાસા થાય છે કે ઇશ્વરની સંખ્યા કેટલી છે. તો, તે શિષ્ય અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે આ પ્રમાણે સંવાદ થાય છેઃ

પછી, શકલના પુત્ર વિદગ્ધે તેમને પૂછ્યું, "ઇશ્વર કેટલા છે, યાજ્ઞવલ્ક્ય?"
યાજ્ઞવલ્ક્યે 'નિવિદ' નામના મંત્ર-સમૂહની સંખ્યા પરથી જવાબ આપ્યો, "'નિવિદ'માં બતાવવામાં આવ્યું છે તેટલા - ત્રણસો ત્રણ, અને ત્રણ હજાર ત્રણ." "બહુ સારું,"
શકલપુત્રે કહ્યું, "અને કેટલા ઇશ્વર છે?"
"તેત્રીસ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"છ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"ત્રણ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"બે."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"દોઢ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"એક."

* * *



આનર્તપુર

વડનગરનું સૌથી પુરાણું નામ છે આનર્તપુર. આનર્તપુર આનર્ત રાજ્યની રાજધાની હતું. આનર્ત તે શર્યાતિનો પુત્ર અને મનુ વૈવસ્તનો પૌત્ર હતો. આ પ્રદેશ પર આનર્તનો અધિકાર હોવાથી તે આનર્ત રાજ્ય બન્યું. મહાભારતના સમય પહેલાંથી જ આખાયે પશ્ચિમ ભારતમાં આનર્ત એક શક્તિશાળી અને સમૃધ્ધ રાજ્ય હતું. એનો સીમા-વિસ્તાર આજના આખા ગુજરાત પ્રદેશ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં ફેલાયેલો હતો.

મહાભારતમાં આનર્તનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેમાં કહ્યા પ્રમાણે આનર્ત યોધ્ધાઓએ મહાભારતના યુધ્ધમાં પાંડવો અને કૌરવો એમ બંને પક્ષે ભાગ લીધો હતો. "સત્યકી પાંડવ સેનામાં એક મોટો સેનાપતિ હતો. તે આનર્તોનો સરદાર હતો. કૃતવર્મન કૌરવ સેનામાં એક સેનાપતિ હતો." (મહાભારત, ૯,૧૭). કૃતવર્મનને પણ આનર્તપુરનો નિવાસી બતાવવામાં આવ્યો છે. મહાભારતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૌરવ ભાઇઓમાંનો એક વિવિંગસતી હતો અને આ મહા-સંગ્રામમાં તેણે સેંકડો આનર્ત યોધ્ધાઓને હણ્યા હતા. મહાભારતના સમયમાં આનર્ત રાજ્ય બે ભાગમાં વહેંચાઇ ગયું હતું - એકની રાજધાની આનર્તપુર હતી અને બીજાની દ્વારિકા. મહાભાગવતમાં પણ આ જાતનો સંદર્ભ જોવા મળે છે.