...



તાના-રીરી

સોળમી સદીમાં ભારત પર મહાન મોગલ બાદશાહ અકબરનું રાજ્ય ચાલતું હતું. અકબર કલા અને સંગીતને ખૂબ ઉત્તેજન આપતો હતો. તેના દરબારનો મુખ્ય ગાયક તાનસેન વિભિન્ન રાગોનો ઘણો સારો જાણકાર હતો. અક્બરે જ્યારે સાંભળ્યું કે તાનસેન દીપક રાગ એટલી તો સારી રીતે ગાઇ શકે છે કે તેની શક્તિથી દીવા સળગી ઊઠે છે, ત્યારે તેણે તાનસેનની કસોટી કરવાનું નક્કી કર્યું. એક દિવસ અકબરે ભર્યા રાજદરબારમાં તાનસેનને દીપક રાગ ગાવાનું કહ્યું. તાનસેન બહુ સારી રીતે સમજતો હતો કે દીપક ગાવાનું શું દુઃપરિણામ આવે, અને તેથી તેણે બાદશાહને નમ્રતાપૂર્વક કહ્યું કે તેને દીપક ગાવાનો આગ્રહ ન કરવામાં આવે. પરંતુ બાદશાહ જેને કહ્યો છે, અકબરે તાનસેનની કોઇ વાત સાંભળી નહીં. તેણે તો તાનસેનને દીપક ગાવાનો હુકમ જ કરી દીધો. તાનસેન જાણતો હતો કે બાદશાહના હુકમનો અનાદર એટલે મોતની સજા જ. બિચારો તાનસેન દીપક ગાવા માટે મજબૂર થઇ ગયો.
મહેલમાં ચારે તરફ અનેક સળગાવ્યા વિનાના દીવાઓ મૂકવામાં આવ્યા. તાનસેને દીપક રાગ ગાવાનું શરુ કર્યું. થોડી વાર તો કશું ના થયું. પરંતુ જેવો તે તેના ગાયનની ચરમસીમાએ પહોંચ્યો કે તરત જ આખા મહેલના દીવા ખરેખર આપમેળે ઝળહળી ઊઠ્યા. બાદશાહ અને બધા દરબારીઓ ચકિત થઈને તાનસેન પર આફરીન થઈ ગયા અને તેને મુબારકબાદી આપવા લાગ્યા. પરંતુ તાનસેનના તો હોશ જ ઊડી ગયા હતા; તેનું આખું શરીર અંદરથી આગથી બળું બળું થઈ ઊઠ્યું હતું. તેને ખબર હતી તે દીપક ગાશે એટલે તેના શરીરમાં આગ લાગવાની છે અને તેથી જ તે ગાવાની ના પાડતો હતો. પરંતુ બાદશાહના ક્રોધના ડરે તેણે દીપક ગાયો, તો તેની આ હાલત થઈ ગઈ.
દીપક ગાવાથી શરીરની અંદર લાગેલી અગનને ઓલવવાનો એક જ ઉપાય હતો, અને તે મલ્હાર રાગનું ગાયન. શુદ્ધ રીતે ગાયેલા મલ્હાર રાગમાં વરસાદ વરસાવવાની ક્ષમતા રહેલી છે, અને તે વરસાદમાં ભીંજાવાથી શરીરમાં શાતા વળે છે. પરંતુ તાનસેન પોતે તો શુદ્ધ મલ્હાર ગાઇ શકતો નહોતો, કે ના અકબરના દરબારમાં બીજો કોઇ સંગીતકાર હતો કે જે શુદ્ધ મલ્હારનો જાણકાર હોય. બળબળતા શરીરથી હેરાન-પરેશાન તાનસેન કોઇ એવા સંગીતકારની શોધમાં દિલ્હી છોડીને નીકળી પડ્યો. તે આખા દેશમાં ફરતો રહ્યો, પરંતુ તેને એવો કોઇ ગાનાર ન મળ્યો કે જે શુદ્ધ મલ્હારનો સાચો જાણકાર હોય. છેવટે, તેને જાણવા મળ્યું કે વડનગર કળા અને સંગીતનું મોટું ધામ છે અને ત્યાં કદાચ કોઇ મલ્હારનો સાચો જાણકાર મળી જાય.
લાંબી મુસાફરી બાદ, તાનસેન જ્યારે વડનગર પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી. નગરના દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. તેણે નગરને અડીને આવેલા શર્મિષ્ઠા સરોવરને કિનારે વડના વૃક્ષ નીચે રાત વિતાવવાનું નક્કી કર્યું. વહેલી સવારે તે ઊઠ્યો ત્યારે તેણે જોયું કે નગરની સ્ત્રીઓ સરોવર કિનારે પાણી ભરવા આવવા લાગી હતી. કુતૂહલવશ થઈને તે તેમને નીરખવા લાગ્યો. તેમાં બે સગી બહેનો જેવી દેખાતી અતિ સ્વરુપવાન યુવતીઓ પ્રત્યે તેનું ધ્યાન ગયું. તે બે પણ પોતપોતાના ઘડામાં પાણી ભરી રહી હતી. તેમના ઘડામાં પાણી ભરાઇ ગયું કે તરત જ તેમાંની એકે તેનો ઘડો ઊંધો વાળીને બધું પાણી બહાર કાઢી નાંખ્યું. હવે, તે ફરીથી પાણી ભરવા લાગી, પણ વળી તેણે ઘડો ખાલી કરી નાખ્યો. આવું તેણે કેટલીયે વાર કર્યું. તાનસેન આ ધ્યાનપૂર્વક જોઇ રહ્યો હતો. છેવટે, તેની બહેન જણાતી યુવતી બોલીઃ
"બહેના, આવું કેટલીવાર કર્યા કરીશ?"
"જ્યાં સુધી આપણને ઘડામાંથી મલ્હાર ના સંભળાય ત્યાં સુધી."
આખરે, તે ઘડામાં એવી રીતે પાણી ભરવામાં કામિયાબ થઈ કે તેની અંદર ભરાતા પાણીથી થતો અવાજ મલ્હાર રાગ સ્વરુપે નીકળ્યો. હવે તેને સંતોષ થતાં તે બોલીઃ
"ચાલ, હવે જઈએ."
તાનસેન તો આ બધું જોઇ-સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પાકો વિશ્વાસ થઈ ગયો કે મલ્હાર રાગની સાચી જાણકારી રાખનારની તેની શોધ આખરે સફળ નિવડી છે. તે બે હાથ જોડીને પેલી બે બહેનો પાસે જઈને બોલ્યોઃ
"હું એક બ્રાહ્મણ છું. હું દીપક રાગ જાણું છું અને બાદશાહના હુકમથી મેં દીપક ગાયો. હવે મારું આખું શરીર આગથી બળી ઉઠ્યું છે. હું મલ્હાર તો જાણતો નથી. હવે મને તમે જ બચાવી શકો તેમ છો. નહીં તો, મારા શરીરની અંદર લાગેલી આગથી હું મરી જઈશ. કૃપા કરીને તમે મલ્હાર ગાઓ કે જેથી મારી અંદર લાગેલી આગ ઠરી જાય અને મને શાતા વળે. મારા પર દયા કરો."
અચાનક જ એક અજાણ્યા માણસની આવી વિનંતી સાંભળીને તાના અને રીરી અવાક થઈ ગઇ. પરંતુ તેની પીડા જોઇને તેમને તેના પર દયા આવી. તેમણે તેને કહ્યું કે, તેઓ તેમના વડિલોની સલાહ લઈ લે ત્યાં સુધી તેણે રાહ જોવી પડશે. જ્યારે નગરના વરિષ્ઠ નાગરીકોએ તાના અને રીરીની વાત સાંભળી, ત્યારે તેમણે ચર્ચા-વિચારણાને અંતે નક્કી કર્યું કે આ પીડિત બ્રાહ્મણને શાતા વળે તે માટે બંને બહેનોએ મલ્હાર રાગ ગાવો જોઇએ.
તાના અને રીરીએ મલ્હાર ગાવાનું શરુ કર્યું. થોડી વારમાં તો આકાશ કાળાં વાદળોથી ઘેરાવા માંડ્યું. જેવો રાગ તેની ચરમસીમાએ પહોંચ્યો કે તરત જ વરસાદ વરસવો શરુ થઈ ગયો. ખૂબ જોરદાર વરસાદ થયો. જ્યાં સુધી ગાવાનું બંધ ન થયું ત્યાં સુધી વરસાદ પડતો રહ્યો. તાનસેન તો વરસાદના ઠંડા પાણીથી પૂરેપૂરો ભીંજાઇ ગયો અને અજાયબ રીતે તેના શરીરની આગ શાંત પડી ગઈ. તે ખુશીથી નાચી ઉઠ્યો. તાના અને રીરીએ ગાયન બંધ કર્યું.
આ દરમિયાન, બે બહેનોમાં મોટી તાના આ અજાણ્યા માણસને ઓળખી ગઈ હતી. તેને ખાત્રી હતી કે બ્રાહ્મણનો ઢોંગ કરીને આવેલો માણસ વાસ્તવમાં તાનસેન સિવાય બીજો કોઇ હોઇ શકે જ નહીં, કેમકે તે જાણતી હતી કે દુનિયામાં તાનસેન સિવાય બીજો કોઇ દીપકનો સાચો જાણકાર હતો જ નહીં. તેવી જ રીતે, તાના-રીરી સિવાય બીજું કોઇ સાચો મલ્હાર ગાઇ શકતું નહોતું. તાનસેન જેવા મહાન સંગીતકારને પોતાની સંગીત-કળાનો પરચો બતાવ્યા બાદ ગર્વિષ્ઠ થઈ ઊઠેલી તાના બોલી પડીઃ
"કેંમ મિયાં તાનસેન, હવે તો શાતા વળીને?"
આ સવાલ સાંભળતાં જ ત્યાં આગળ એકઠા થયેલા નગરના સૌ લોકોને તેની સાચી ઓળખાણ થઈ ગઈ. તાનસેનના તો હોશકોશ જ ઊડી ગયા, કેમકે તેને લાગ્યું કે હવે નગરના લોકો તેને મારી જ નાંખશે. તેણે બંને હાથ જોડીને સૌની માફી માગી. તે પોતાનું જીવન બચાવવા વિવશતાથી જુઠું બોલ્યો હતો. તેણે આજીજી કરી કે એક સંગીતકારની વિવશતા સમજીને નગરજનો તેને જીવતદાન આપે. વડનગરના લોકો સંગીતપ્રેમી તો હતા જ, પણ સાથે સાથે ઉદાર દિલવાળાયે હતા. તાનસેનની વિષમ પરિસ્થિતિ સમજીને તેમણે એક શરત પર તેને જીવતો જવા દેવાની તૈયારી બતાવી. તે શરત હતી કે, તાનસેન એવું વચન આપે કે તે તાના-રીરી વિષે ક્યારેય કોઇને ક્શું પણ બતાવશે નહીં. તાનસેને તરત જ શરત સ્વીકારી લીધી અને વચન આપ્યું કે, તે તાના-રીરીની વાત કદીયે કોઇને કરશે નહીં. હવે, નગરના લોકોએ તેને જીવતો જવા દીધો.
તાનસેન દિલ્હી પાછો ફર્યો. તેને દીપકની અગનથી મુક્ત થયેલો જોઇને અકબરને ખૂબ નવાઇ લાગી. તેણે તરત જ તેને સવાલ કર્યોઃ
"અરે તાનસેન, તું તો કહેતો હતો કે તારી જલનનો કોઇ ઉપાય જ નથી. પણ હવે તો તું સાજો થઈ ગયેલો દેખાય છે. આ કેવી રીતે થયું? તારી આગ કોણે શાંત પાડી?"
તાનસેન પૂરેપૂરો જવાબ આપવા ઇચ્છતો નહોતો, તેથી બોલ્યોઃ
"જહાંપનાહ, હિંદુસ્તાનમાં ફરતો ફરતો હું એક એવી જગ્યાએ પહોંચ્યો કે જ્યાં મને સાચો મલ્હાર સાંભળવા મળ્યો અને મારી જલન શાંત પડી ગઈ."
અકબરને તેના જવાબથી સંતોષ થયો નહીં; તે જાણવા માગતો હતો કે કોણ એવો સંગીતકાર છે કે જે સાચો મલ્હાર ગાઇ શકે છે. તેથી, બાદશાહે કરડા થઈ તેને પૂછ્યું:
"સાચેસાચું બતાવી દે, કોણે સાચો મલ્હાર ગાયો? અને ક્યાં છે તે?"
બાદશાહનું સખત વલણ જોઇને તાનસેન ગભરાયો. જો તે પૂરી વાત બતાવી દે તો, તેણે વડનગરના લોકોને જે વચન આપ્યું હતું તેનો ભંગ થતો હતો. બીજી તરફ, તે સારી રીતે જાણતો હતો કે જો બાદશાહને સાચી વાત નહીં કહે તો, તેના પર બાદશાહનો ખોફ ઉતરશે. તેને વિમાસણમાં જોઇને બાદશાહને લાગ્યું કે નક્કી તાનસેન કશુંક છૂપાવી રહ્યો છે. હવે, બાદશાહે એકદમ ગુસ્સે થઈને પૂછ્યું:
"બોલ તાનસેન, કોણે મલ્હાર ગાયો? અને ક્યાં છે તે?"

તાનસેન ડરી ગયો; તેને લાગ્યું કે તેનો જીવ જોખમમાં છે. બીકના માર્યા તેણે વડનગરમાં જે કંઇ બન્યું હતું તે બધું જ સાચે-સાચું બાદશાહને બતાવી દીધું. તાનસેને તાના-રીરીના સંગીત-કૌશલ્યની વાત કરતાં કરતાં તેમના સૌંદર્ય અને ભલાઇનાં પણ ખૂબ વખાણ કર્યાં.

કમનસીબે એવું બન્યું કે અક્બર અને તાનસેન વચ્ચેની આ વાતચીત બાદશાહની અનેક બેગમોમાંની એકના બે યુવાન શાહજાદા પડદા પાછળ છૂપાઇને સાંભળી રહ્યા હતા. તાના-રીરીની વાત અને તેનાં રુપનાં વખાણ સાંભળીને તે બંને જાણે કે દિવાના થઈ ગયા. તેમણે પોતાના માટે તાના-રીરીનું અપહરણ કરવાનું કાવતરું કર્યું. તરત જ તે બંને કોઇને પણ ખબર ન પડે તેવી રીતે ચોરી-છૂપીથી પોતપોતાના ઘોડાઓ પર સવાર થઈને એકલા જ વડનગર તરફ જવા નીકળી પડ્યા.

કેટલાક દિવસો બાદ તેઓ જ્યારે વડનગર પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. નગરના કિલ્લાના દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. તેમણે શર્મિષ્ઠાને કિનારે ઊગેલા એક વડના મોટા ઝાડ નીચે રાત વિતાવવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે, તાનસેને તેની વાતમાં બતાવ્યું હતું તે પ્રમાણે સવારમાં જ્યારે તાના-રીરી પાણી ભરવા સરોવરને ઓવારે આવશે ત્યારે તેઓ તેમને જોઇ શકશે અને પછી ઘોડાઓ પર ઊપાડી જશે.

જ્યારે શર્મિષ્ઠા સરોવર પર ઉષાકાળનો સમય થયો ત્યારે બંને શાહજાદા જાગી ગયા અને રાહ જોવા લાગ્યા. થોડી જ વારમાં તેના પૂર્વ કિનારે સૂર્યનાં કિરણો નીકળી આવ્યાં અને સરોવરનું પાણી જાણે સોનેરી રંગથી ઝળહળી ઊઠ્યું. હવે, હંમેશની જેમ નગરની સ્ત્રીઓ સરોવરના ઓવારે પાણી ભરવા આવવા લાગી. થોડી જ વારમાં તાના અને રીરી પણ એકબીજા સાથે હસી-મજાક કરતી ત્યાં આવી. શાહજાદાઓને તેમને ઓળખી કાઢવામાં કોઇ મુશ્કેલી પડી નહીં, કેમકે તે અન્ય સ્ત્રીઓ કરતાં તદ્દન જુદી જ લાગતી હતી. બંને બહેનો ઘડાના મુખ પર ગળણું ઢાંકીને પાની ભરવા લાગી. જ્યારે ઘડા પાણીથી ભરાઇ ગયા, ત્યારે તે કપડાનું ગળણું નીચવીને હવામાં ઝાટકીને સૂકવવા લાગી. તેમની પાછળ દિવાના થઈ ગયેલા શાહજાદાઓ સમજ્યા કે તેઓ કપડું હલાવીને તેમને બોલાવી રહ્યા છે. તરત જ તેઓ વડના વૃક્ષ નીચેથી નીકળીને ઓવારા પાસે આવીને બોલી ઊઠ્યા.
" માશા અલ્લાહ, કેટલી સુંદર છે બંને."
સરોવરના ઓવારે પાણી ભરવા એક્ઠી થયેલી બધી સ્ત્રીઓ આવા બે અજાણ્યા આદમીઓને જોઇને ચોંકી ઊઠી અને જોરશોરથી મદદ માટે ચીસાચીસ કરવા લાગી. પળવારમાં તો નગરના કેટલાયે લોકો ત્યાં પહોંચી ગયા. તેમણે શાહજાદાઓને પકડી લીધા અને ઝનૂનમાં આવીને કંઇ જાણ્યા-વિચાર્યા વગર જ બંનેને મારી નાંખ્યા. તેમના ઘોડાઓને પણ મારી નાંખ્યા. અને બધાને સરોવરના કિનારા પર જ દાટી દીધા.

બીજી તરફ, દિલ્હીમાં જ્યારે અક્બરને ખબર પડી કે તેના બે શાહજાદાઓ લાપતા થઈ ગયા છે, તો તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે તેમને જ્યાં હોય ત્યાંથી શોધી લાવવા. કેટલાક વખત પછી ખબર પડી કે બે શાહજાદાઓ તો તાના-રીરીને ઉપાડી લાવવાની યોજના બનાવીને વડનગર ગયા હતા અને ત્યાંના નગરવાસીઓએ તેમને મારી નાંખ્યા છે. હવે, બાદશાહ તો આ જાણીને ધૂઆપૂંઆ થઈ ઊઠ્યો. તરત જ તેણે પોતાની સેનાને હુકમ કર્યો કે તે વડનગર જઈને તેના નગરવાસીઓને સખત સજા કરે અને તાના-રીરીને દિલ્હી લઈ આવે.
થોડાક જ દિવસોમાં બાદશાહની ફોજ વડનગર આવી પહોંચી. તેણે નગર પર કબ્જો જમાવી દીધો. નગરના કેટલાયે લોકોને મારી નાંખ્યા, નગર સળગાવી મૂક્યું, અને તાના-રીરીને પકડી લીધી. સૈનિકોએ બંને બહેનોને પાલખીમાં બેસાડી દીધી અને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી. પરંતુ બંને બહેનોએ તેમના મનમાં નક્કી કરી લીધું હતું કે દિલ્હી જવા કરતાં મરી જવું સારું. આથી, જ્યારે તેમની પાલખી નગરના દરવાજા આગળ આવેલા મહાકાળેશ્વર મંદિર પાસે પહોંચી કે તરત જ, બંને બહેનોએ પોતપોતાની વીંટીમાં જડેલ ઝેરી હીરો ચૂસી લીધો. ક્ષણવારમાં તો બંનેના પ્રાણ ચાલ્યા ગયા.
તેમની ચિતાઓ ત્યાં જ ખડકાઇ અને જોતજોતામાં તેમના મૃત દેહો અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. કેટલાક સમય પછી ત્યાં તેમની સ્મૃતિમાં બે નાની દેરીઓ બાંધવામાં આવી. પ્રાચીન નગર વડનગરના લોકો તાના અને રીરીને કદીયે ભૂલી શક્યા નહીં.

* * *

સાચો મલ્હાર ગાવાથી વરસાદ પડી શકે!


* * *