હરપ્પા સંસ્કૃતિ

આજથી ૬,૦૦૦ થી ૭,૦૦૦ વર્ષ પૂર્વે દક્ષિણ એશિયામાં સિંધુ અને સરસ્વતી નદીઓની આસપાસના પ્રદેશોમાં હરપ્પા સંસ્કૃતિનો ઉદય થયો. ભારતના ઉત્તર-પશ્ચિમમાં ઘણા વિસ્તૃત પ્રદેશમાં કેટલાંયે હરપ્પા નગર વિકસિત થયાં. ઇસવીસનની ૨,૫૦૦ વર્ષ પૂર્વે આ નગર ખૂબ સારી રીતે વિકાસ પામી ચૂક્યાં હતાં. પાકિસ્તાનના હરપ્પા અને ભારતના ગુજરાતમાં આવેલાં લોથલ, ગોલા ધોરો, ધોળાવિરા, અને અન્ય સ્થળોએ થયેલાં પુરાતત્ત્વીય ખોદકામથી એવા લોકો વિષે જાણવા મળ્યું છે કે જેમણે એક ઉન્નત જીવનશૈલી વિકસાવી હતી.

સુમેર, બેબિલોનિયા, અને ઇજિપ્ત જેવી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓથી વિપરીત, હરપ્પા સંસ્કૃતિએ સામાન્ય પ્રજાજનને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસ કર્યો હતો. તેણે એવી વ્યવસ્થા અને સાધનોનું સર્જન કર્યું કે જેનાથી લોકોનું જીવન વધારે આરામપ્રદ, તંદુરસ્ત, અને સુખી બની શકે. એણે રાજવીઓ માટે ભવ્ય મહેલો, મંદિરો, અને ઠાલાં સ્મારકોના નિર્માણને બદલે, પોતાના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે અપ્રતિમ વ્યવસ્થા ઊભી કરી. હરપ્પા સંસ્કૃતિનાં નગરોમાં, આજના માપદંડોથી માપવામાં આવે તો પણ, અત્યંત આધુનિક લાગે તેવી દૂષિત પાણીના નિકાલ માટેની કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તેણે પોતાના નાગરિકોને સાર્વજનિક સ્નાનાગાર, બાળકોને વિધવિધ શિક્ષાપ્રદ રમકડાં, અને મહિલાઓને સુંદર કલાત્મક આભૂષણો પ્રદાન કર્યાં. વ્યાપાર-ઉદ્યોગ પાસેથી કર ઉધરાવીને તેનો પ્રજાની સુખાકારી માટે ઉપયોગ કર્યો.