આનંદપુર

મહાભારતના સમયમાં, પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા કુરુક્ષેત્રના યુધ્ધ પછી આનર્ત રાજ્યનો અસ્તાંળચળ શરુ થઈ ગયો. સુરાષ્ટ્ર પ્રદેશમાં વલ્લભી નામનું એક નવું અને શક્તિશાળી નગર ગુજરાતની રાજધાની બન્યું. હવે, આનર્તપુર ન તો કોઇ રાજ્યની રાજધાની રહ્યું, કે ન રાજસત્તાનું કોઇ કેન્દ્ર. પરંતુ, તે વ્યાપારનું એક મહત્વનું કેન્દ્ર તો રહ્યું જ; અને તેને લઈને તેની આર્થિક સમૃધ્ધિ જળવાઇ રહી. તેની આસપાસના પ્રદેશોમાં મબલખ ખેત-પેદાશો ઉત્પન્ન થતી હતી અને તેના હુન્નર-ઉદ્યોગો ધમધોકાર ચાલતા હતા. અહીંના લોકો સમૃધ્ધ અને ખુશહાલ હતા. તે આ પ્રદેશનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આ નગરમાં સંગીતકારો, નૃત્યકારો, નાટ્યકારો, શિલ્પીઓ, અને અન્ય કલાકારોનું સારી રીતે પાલન-પોષણ થતું હતું. અહીં સંગીત અને નાટ્ય કલાનો વિકાસ થતો રહ્યો. અહીંના શિલ્પીઓને જ કેટલીક સદીઓ પછી આબુ પર્વત પરનાં પ્રખ્યાત જૈન મંદિરો બાંધવા માટે બોલાવવામાં આવ્યા હતા.

અહીં આખા વર્ષ દરમિયાન વિધવિધ ઉત્સવો થતા રહેતા હતા. આ નગરમાં એક પ્રકારના આનંદ-પ્રમોદ અને ખુશીના વાતાવરણનો અનુભવ થતો હતો. આ વાતાવરણથી આકર્ષાઇને દૂર-સુદૂરથી ઘણા મુલાકાતીઓ અહીં આવતા રહેતા હતા. ઇસવીસનની બીજી સદી આવતાં સુધીમાં તો આ નગર ખુશી અને આનંદના નગર તરીકે જાણીતું થઈ ગયું. હવે, લોકો તેને આનંદપુરના નામથી જ ઓળખવા લાગ્યા.

ઇતિહાસનો આ તે સમય હતો કે જ્યારે બે મહાન ધર્મો - બૌધ્ધ અને જૈન - ભારતભરમાં અને તેની પાર ફેલાઇ રહ્યા હતા. ખુશહાલીના નગર આનંદપુરે પણ આ બંને ધર્મના સાધુઓ અને અનુયાયીઓને આકર્ષિત કર્યા. નગરે સેંકડો બૌધ્ધ સાધુઓનું પાલન-પોષણ કર્યું. ચારે તરફ અનેક બૌધ્ધ મઠ બન્યા. સન ૧૯૯૨ માં, નગરની સીમા પાસે આવેલા એક ખેતરમાં ખેડૂત હળ ચલાવતો હતો ત્યારે જમીનમાં દટાયેલી એક બૌધ્ધ પ્રતિમા આકસ્મિક રીતે જ મળી આવી. અત્યારે તેને વડનગરના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. તેના નીચેનું પાલિ ભાષામાં લખાયેલું લખાણ સ્પષ્ટ જણાવે છે કે, તે બૌધ્ધ ધર્મની સમ્મતિય પ્રશાખાના ભિક્ષુઓના દેવ બોધિસત્વની પ્રતિમા છે. રાતા પત્થરમાં કોતરાયેલી આ પ્રતિમા બીજી કે ત્રીજી સદીના સમયની હોય તેમ માનવામાં આવે છે.

ખ્યાતનામ ચીની મુસાફર હ્યુએન-સંગે સાતમી સદીમાં આનંદપુરની મુલાકાત લીધી હતી. તેણે પોતાના યાત્રા-વર્ણનમાં આ નગર વિષે એક નાનકડું પ્રકરણ લખ્યું છે, તેનાથી જણાય છે કે તે વખતે અહીં બૌધ્ધ ધર્મ વ્યાપક રીતે પ્રચલિત હશે. જો પધ્ધતિસર વ્યાપક વિસ્તારમાં પુરાતત્વીય ઉત્ખનન કરવામાં આવે તો, આ પ્રદેશ પરના બૌધ્ધ પ્રભાવ વિષે ઘણી માહિતી પ્રાપ્ત થી શકે. નવમી સદી પછી ભારતમાં બૌધ્ધ ધર્મનો પ્રભાવ ઝડપથી ઘટવા માંડ્યો અને તે આનંદપુરમાંથી પણ અદૃશ્ય થયો. તેની જગ્યાએ જૈન ધર્મનો ફેલાવો થવા માંડ્યો. ગુજરાત ઉપર તો જૈન ધર્મનો પ્રભાવ એકદમ વધી ગયો. આ કાળ દરમિયાન વડનગરની મધ્યમાં બંધાયેલાં બે ભવ્ય જૈન મંદિરો દર્શાવે છે કે, આ નગરમાં પણ જૈન ધર્મ ઘણો પ્રચલિત હશે. સોલંકી યુગ (દસમી થી તેરમી સદી) દરમિયાન આ નગર સમૃધ્ધિનું કેન્દ્ર બની રહ્યું, પરંતુ ત્યારબાદ તેની અવનતિ થવા માંડી. જાણે કે નગર હવે વૃધ્ધ થઈ ના ગયું હોય!