કપિલા નદી કદાચ આવી દેખાતી હશે.

કપિલા

કપિલા નદી વડનગરના પુરાણા ઇતિહાસ સાથે જોડાયેલી છે. આજથી લગભગ ૪,૫૦૦ વર્ષ પૂર્વે આ નદી તટે પહેલી માનવ વસાહત બની હશે. નદીનું ઉદગમ સ્થાન અરવલ્લીની પર્વતમાળાઓમાં હતું. તે વખતે આ બધો પ્રદેશ વનરાજીથી હર્યોભર્યો હતો. તે કોઇ બહુ મોટી નદી નહોતી, પરંતુ તે બારે માસ વહેતી નદી તો હતી જ. તેના રસ્તામાં કેટલાંયે નાનાં-મોટાં સરોવરો હતાં અને તે બધાંને કપિલાથી પાણી મળતું હતું. આવું જ એક સરોવર શર્મિષ્ઠા પણ હતું. અહીં નદી અને સરોવરના તટપર માનવ-જીવન અને સંસ્કૃતિનો વિકાસ થયો. અહીં જ યાજ્ઞવલ્ક્ય ઋષિનું નગર ચમત્કારપુર વસેલું હતું.
આજે તો કપિલા નદી અદૃષ્ય થઈ ચૂકી છે, પરંતુ સન ૧૯૫૦ સુધી વર્ષા ઋતુમાં તો તે અહીં વહેતી જોવા મળતી હતી જ. લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદી વિષે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન વૈજ્ઞાનિકોમાં જિજ્ઞાસા પેદા થઈ છે, તેને કારણે પશ્ચિમ ભારતની લુપ્ત થયેલી નદીઓ વિષે વૈજ્ઞાનિક સંશોધનો થવા માંડ્યાં છે. ઉપગ્રહો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોએ એવાં પ્રમાણ આપ્યાં છે કે કેટલાક હજાર વર્ષ પહેલાં આ પ્રદેશની ધરતીની પરિસ્થિતિ અને અહિંનું હવામાન આજે છે તેના કરતાં ઘણા જુદા પ્રકારનાં હતાં. તે વખતે આ પ્રદેશ આજના જેવો સૂકા હવામાનવાળો નહોતો, પરંતુ અહીં ગાઢ જંગલો અને અનેક નદી-નાળાં હતાં.