આનર્તપુર

વડનગરનું સૌથી પુરાણું નામ છે આનર્તપુર. આનર્તપુર આનર્ત રાજ્યની રાજધાની હતું. આનર્ત તે શર્યાતિનો પુત્ર અને મનુ વૈવસ્તનો પૌત્ર હતો. આ પ્રદેશ પર આનર્તનો અધિકાર હોવાથી તે આનર્ત રાજ્ય બન્યું. મહાભારતના સમય પહેલાંથી જ આખાયે પશ્ચિમ ભારતમાં આનર્ત એક શક્તિશાળી અને સમૃધ્ધ રાજ્ય હતું. એનો સીમા-વિસ્તાર આજના આખા ગુજરાત પ્રદેશ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં ફેલાયેલો હતો.

મહાભારતમાં આનર્તનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેમાં કહ્યા પ્રમાણે આનર્ત યોધ્ધાઓએ મહાભારતના યુધ્ધમાં પાંડવો અને કૌરવો એમ બંને પક્ષે ભાગ લીધો હતો. "સત્યકી પાંડવ સેનામાં એક મોટો સેનાપતિ હતો. તે આનર્તોનો સરદાર હતો. કૃતવર્મન કૌરવ સેનામાં એક સેનાપતિ હતો." (મહાભારત, ૯,૧૭). કૃતવર્મનને પણ આનર્તપુરનો નિવાસી બતાવવામાં આવ્યો છે. મહાભારતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૌરવ ભાઇઓમાંનો એક વિવિંગસતી હતો અને આ મહા-સંગ્રામમાં તેણે સેંકડો આનર્ત યોધ્ધાઓને હણ્યા હતા. મહાભારતના સમયમાં આનર્ત રાજ્ય બે ભાગમાં વહેંચાઇ ગયું હતું - એકની રાજધાની આનર્તપુર હતી અને બીજાની દ્વારિકા. મહાભાગવતમાં પણ આ જાતનો સંદર્ભ જોવા મળે છે.