શર્મિષ્ઠા

પ્રાચીન સમયમાં શર્મિષ્ઠા એક પ્રાકૃતિક સરોવર હતું. તે કપિલા નદીના પાણીથી ભરેલું રહેતું હતું. આજથી ૪,૫૦૦ વર્ષ પૂર્વે, તેના દક્ષિણ-પૂર્વ કિનારા પર પ્રથમ માનવ વસાહત શરુ થઈ હતી. કેટલીક સદીઓ બાદ, આ વસાહતનો વિકાસ થતાં ત્યાં એક નગર જ વસી ગયું. સરોવરના કિનારા પત્થરોથી બાંધવામાં આવ્યા. તેમાં આવતા પાણીને નિયંત્રિત કરવા માટે ઉત્તર દિશામાં પત્થરનો એક મોટો કુંડ બાંધવામાં આવ્યો. કપિલા નદીનું પાણી પહેલાં કુંડના પૂર્વાભિમુખ દ્વારમાં વહેવડવવામાં આવતું હતું. કુંડમાં ભરાતા પાણીને તેના દક્ષિણના દ્વારેથી સરોવરમાં જવા દેવામાં આવતું હતું. જરુર પ્રમાણે આ દ્વાર ખોલ-બંધ કરી શકાતાં હતાં, તેથી સરોવરમાં માપસરનું પાણી ભરી શકાતું હતું. આ જાતની ઇજનેરી રચનાને કારણે વર્ષા ઋતુમાં જ્યારે કપિલામાં પાણીનું વહેણ ખૂબ વધી જતું, ત્યારે તેની તેજ ગતિ સરોવરના ઓવારઓને કોઇ જાતનું નુકસાન પહોંચાડી શકતી નહોતી અને કિનારા પરનાં મકાનો સુરક્ષિત રહેતાં હતાં. સરોવરમાં પૂરતું પાણી ભરાઇ રહે એટલે કુંડનું દક્ષિણનું દ્વાર બંધ કરી દેવામાં આવતું અને નદીનું વહેણ પશ્ચિમ તરફ ચાલ્યું જતું.

વર્ષા ઋતુ દરમિયાન કદાચ કપિલાના વહેણમાં ઘણા સાપ વહી આવતા હશે અને તેનાં દ્વાર બંધ થઈ જતાં કુંડમાં ફસાઇ જતા હશે. કદાચ આ જ કારણથી આ કુંડનું નામ "નાગધરો" પડ્યું હશે. આજે પણ શ્રાવણ માસમાં નાગપંચમીને દિવસે લોકો અહીં આવીને નાગ-દેવતાની પૂજા-અર્ચના કરે છે અને તે દિવસે અહીં મોટો મેળો પણ ભરાય છે.

શર્મિષ્ઠા સરોવરનું આખું સંકુલ - સરોવર, મધ્યમાં આવેલ બેટ, સરોવરના તળિયે ભૂતળમાં પાણી ઉતારવા માટે બનાવેલા કૂવા, પત્થરોથી બાંધેલા કિનારા, નાગધરો, પાણી ભરવા માટેનાં દ્વાર, વધારાનું પાણી બહાર વહેવડાવી દેવા માટેનો રસ્તો, અને કપિલામાંથી કાઢેલી નહેર - આ નગરના પ્રાચીન સમયના સ્થપતિઓના ઉચ્ચ કૌશલ્યનો અપ્રતિમ નમૂનો છે. જ્યારે સરોવરમાં પાણી ભરેલું હોય છે ત્યારે તેના તળિયે દક્ષિણ-પશ્ચિમ દિશાએ બનાવેલા કૂવા દેખાતા નથી. આ કૂવાઓ દ્વારા જમીનમાં જે પાણી ઉતરે છે તેનાથી ભૂગર્ભમાં ઝરણાં ઉત્પન્ન થાય છે. આ ઝરણાંઓને લઈને નગરમાં આવેલા સંખ્યાબંધ કૂવાઓ શુધ્ધ પાણીથી ભરાયેલા રહેતા હતા. જો કોઇ વરસે વરસાદ ઓછો થતો અથવા બિલકુલ ન થતો, તો પણ સરોવરની અંદર આવેલા આ કૂવા તેમાં ભરપૂર રીતે ઉતરેલા પાણીને કારણે ભરેલા રહેતા હતા અને નગરના લોકોની પાણીની જરુરિયાત સંતોષતા.



આજે તો શર્મિષ્ઠાનું સમગ્ર પ્રાચીન સરોવર-સંકુલ બિસમાર હાલતમાં છે. તેના સુંદર કોતરણીવાળા પત્થરોથી બાંધેલા પાકા ઓવારા અદૃષ્ય થઈ ગયા છે. પાછલાં પચાસેક વર્ષોમાં આ અમૂલ્ય પ્રાચીન પત્થરો કદાચ ચોરાઇને પ્રાચીન ચીજ-વસ્તુઓના સંગ્રહકારોના હાથમાં ચાલ્યા ગયા હશે. તાજેતરનાં વર્ષોમાં તેના દક્ષિણ-પશ્ચિમ કિનારાના થોડા ભાગમાં ઉતાવળે કરવામાં આવેલું આધુનિક બાંધકામ સરોવરની પ્રાચીનતાને અનુરુપ નથી લાગતું. વળી, તે ટકાઉ પણ સાબિત નથી થયું.

આવશ્યકતા તો એ વાતની છે કે, આખા સરોવર-સંકુલ વિષે પૂરેપૂરો વિચાર કરીને તેની પ્રાચીનતા જળવાય તેવી રીતે પુનઃ નિર્માણનું કાર્ય કરવામાં આવે. આ માટે પ્રાચીન શૈલીના શિલ્પકામના નિષ્ણાત કારીગરો અને સ્થપતિઓને જવાબદારી સોંપવી જોઇએ. અદ્વિતિય પુરાતત્વીય મહત્વ ધરાવતાં સ્થળોના પુનઃનિર્માણ માટેની વિશ્વનાં અન્ય સ્થળોએ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલી યોજનાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ. એ ન ભૂલવું જોઇએ કે શર્મિષ્ઠાએ નગરને જન્મ આપ્યો અને આજે પણ તે જ નગરનું હાર્દ છે.



શર્મિષ્ઠાની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મહાભારતમાં યયાતિની જે કથા કહેવાઇ છે અને તેમાં જે સરોવરની વાત આવે છે, તે જ શું આ શર્મિષ્ઠા છે?