સમકાલિન પુરાતત્ત્વીય ઉત્ખનન

સન ૧૯૫૩-૫૪ માં, વડનગરમાં પ્રથમ પુરાતત્ત્વીય ઉત્ખનન વડોદરા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ ડી. સુબ્બા રાવ અને આર. એન. મહેતાએ કર્યું. તે વખતે આ લેખકને તેમના હાથ નીચે બે મહિના સુધી સહાયક તરીકે ઉત્ખનન સ્થળ પર કાર્ય કરવાની તક મળી હતી. ઉત્ખનનનું કાર્ય સમાપ્ત થયું તેના થોડા સમય પહેલાં, સુબ્બા રાવે નવીન સર્વ વિદ્યાલયના વાર્ષિક અંક, કે જેના આ લેખક તંત્રી હતા, માટે તે ઉત્ખનન ઉપર એક લેખ લખી આપ્યો હતો. ત્યારબાદ, તેમણે ઉત્ખનન ઉપર વિદ્યાલયમાં એક વિષદ વક્તવ્ય પણ આપ્યું હતું. તે વખતે તેમનું કહેવું હતું કે, આ નગર ૨,૫૦૦ વર્ષ પહેલાં પણ આ જ જગ્યાએ અસ્તિત્વમાં હતું તેની તેમને પૂરતી સાબિતીઓ મળી આવી છે. તેમણે એમ પણ પ્રતિપાદિત કર્યું કે, આ સ્થળનું હરપ્પા સંસ્કૃતિ સાથે અનુસંધાન હતું. તેમની અવધારણામાં "આ નગરની શરુઆત એક હરપ્પા વસાહતના રુપમાં થયાની સંભાવના છે." એ જે હોય તે, અત્યારસુધી આ અવધારણાની નિશ્ચિત રુપમાં પુષ્ટિ કરી શકે તેવાં નક્કર પ્રમાણ મળ્યાં નથી. પરંતુ તે જાતના પુરાવાઓ મેળવવા માટે વિસ્તૃત સંશોધન આવશ્યક છે; અને તેવું સંશોધન હજી સુધી થઈ શક્યું નથી.



સન ૨૦૦૭ થી ગુજરાત રાજ્યના મુખ્ય પુરાતત્ત્વવિદ યદુવીરસિંહ રાવતની આગેવાની નીચે ચાલી રહેલા વર્તમાન ઉત્ખનનમાંથી એવા અવશેષો બહાર નિકળી રહ્યા છે કે, જેનાથી સાબિત થઈ ગયું છે કે આ નગર ભારતમાં બૌધ્ધ ધર્મના પ્રસારના સમયનું સમકાલિન હતું. અર્થાત્, ઉત્ખનનમાંથી મળેલા નક્કર પુરાવાઓ નગરને ઓછામાં ઓછું ઇસવીસનના પ્રથમ શતક જેટલું પ્રાચીન સાબિત કરવામાં સફળ થયા છે. ઇસવીસનની બીજી સદીમાં, વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' ના નામથી જાણીતું હતું તે, બૌધ્ધ ધર્મનું એક જીવંત કેન્દ્ર હતું તેવું પ્રમાણ પ્રવર્તમાન ઉત્ખનનમાંથી નીકળેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો આપી રહ્યા છે. એવું પણ બની શકે કે, આ ઉત્ખનન આગળ વધ્યા બાદ એવાં પ્રમાણ પણ મળી આવે કે જે આ નગરને આનાથી પણ વધારે પ્રાચીન પ્રતિપાદિત કરે અને સુબ્બા રાવની અવધારણાને વાસ્તવિકતામાં બદલી નાંખે.



ગુજરાત રાજ્યનો પુરાતત્ત્વ વિભાગ ૨૦૦૭ની સાલથી વડનગરમાં નગરના કિલ્લાની દક્ષિણી દિવાલના બહારના ભાગમાં ખોદકામ કરી રહ્યો છે. જો કે, હજુ સુધી આ ખોદકામ બહુ મોટા વિસ્તારમાં કરવામાં આવ્યું નથી, તેમ છતાં અહીંથી જે પુરાવાઓ મળ્યા છે તે એટલું તો સાબિત કરવા માટે પૂરતા છે કે આ નગર ખરેખર ખૂબ પ્રાચીન છે. ઇસવીસનના બીજા શતકમાં બનેલો એક બૌધ્ધ વિહારનો ૧૮ x ૧૮ મીટરના બાંધકામવાળો ભાગ મળી આવ્યો છે, કે જે બૌધ્ધ સાધુઓ માટે રહેવાના ૧૨ નાના-નાના ઓરડાનો બનેલો છે. આ સ્થળે રાવતની ટૂકડીએ જે કંઇ ઉત્ખનન કર્યું છે તેની દેશ-વિદેશના પુરાતત્ત્વવિદો અને બૌધ્ધ-નિષ્ણાતોએ તપાસ કર્યા બાદ, એ વાતની પુષ્ટિ કરી છે કે અહીં વાસ્તવમાં બૌધ્ધ વિહાર અને સ્તુપ હતા. સાતમી સદીમાં વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' કહેવાતું હતું, આવેલા ચીની યાત્રી હ્યુએન-સંગે પોતાની યાત્રા-પોથીમાં લખ્યું છે કે, આ નગરમાં લગભગ દસ સંઘારામ હતા અને ત્યાં એક હજાર જેટલા બૌધ્ધ સાધુઓ રહેતા હતા. વર્તમાન ખોદકામથી મળી આવેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો હ્યુએન-સંગની યાત્રા-પોથીમાં લખેલી વાતને એકદમ સાચી સાબિત કરે છે તેટલું જ નહીં, તે તેની યાત્રા-પોથીને પણ સાચી ઠેરવે છે.



અત્યારસુધી આ સ્થળે કરવામાં આવેલા ખોદકામમાંથી વિભિન્ન પ્રકારના બે હજાર કરતાં પણ વધારે પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા છે. તેમાં એક બૌધ્ધ પ્રતિમા, નાની-નાની મૂર્તિઓ, ભિક્ષા-પાત્ર, તાંબા અને ચાંદીના સિક્કાઓ, ટેરાકોટ્ટાની બનેલી એક પ્રતિમાનો માથાનો ભાગ, શંખની ચૂડીઓ, રોમન સુરાહી (amphora), ગળાના હારના મણકા, માટીનાં ઉત્તરી કાળા ઓપદાર વાસણ પર બ્રાહ્મી લિપિમાં આંકેલું લખાણ, વગેરે જેવી અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે.


શું સાતમી સદીમાં હ્યુએન-સંગની મુલાકાત વખતે આવા બૌધ્ધ વિહાર વડનગરમાં હતા?