મંદિરોનું નગર

વડનગરને મંદિરોનું નગર કહી શકાય. અહીં વિભિન્ન દેવી-દેવતાઓનાં એટલાં બધાં મંદિર છે કે, દર સો ગજના અંતરે કોઇને કોઇ નાનું-મોટું મંદિર અવશ્ય જોવા મળે છે. આમાંથી કેટલાંક ઘણાં પ્રાચીન છે, અને કેટલાંક અર્વાચીન. પુરાણાં મંદિર લાલ અને પીળા રંગના રેતીલા પત્થરોમાંથી બનેલાં છે, જ્યારે આધુનિક સમયમાં બનેલાં મંદિરોમાં પત્થરો ઉપરાંત ઇંટો અને ચુના તથા સીમેંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધાં મંદિરોમાં વત્તા-ઓછા પ્રમાણમાં મનમોહક શિલ્પો જોવા મળે છે. નગરમાં બે મોટાં મંદિર-સંકુલ છે - એક, અમથેર માતા મંદિર અને બીજું, હાટકેશ્વર મંદિર.



અમથેર માતા મંદિર

વડનગરના એકદમ પૂર્વ ભાગમાં સ્થિત અમથેર માતા મંદિર બધાથી વધારે પ્રાચીન હયાત મંદિર છે. વાસ્તવમાં, ભૂતકાળમાં ક્યારેક તે અનેક નાનાં-મોટાં મંદિરોનું એક વિશાળ સંકુલ હશે, પરંતુ આજે તેમાંથી માત્ર છ જ મધ્યમ કદનાં મંદિર બચ્યાં છે. આ મંદિરો નકશીદાર પત્થરોના મોટા ઊંચા ઓટલાઓ પર બનાવવામાં આવેલાં છે, જે કંઇક અંશે ખાજુરાહોનાં મંદિરોની યાદ અપાવે છે. આમાં જે સૌથી મોટું મંદિર છે તેનું દ્વાર પશ્ચિમ દિશામાં છે; તેમાં અત્યારે તો અંબાજી માતાની પ્રતિમા વિરાજમાન છે. તેના બહારના ભાગમાં પાર્વતી, મહીષાસુમર્દિની, અને અન્ય દેવતાઓની મૂર્તિઓ છે. અંબાજી મંદિરની પાછળની જગ્યામાં વિષ્ણુ, સપ્તમાતૃકા, સૂર્ય, અને બીજા દેવતાઓનાં નાનાં-નાનાં મંદિરો છે. તેમાં, સૂર્યનું મંદિર ધ્યાન ખેંચે છે. ઉત્તર ગુજરાતમાં ઘણે સ્થળે નાનાં-નાનાં સૂર્ય મંદિરો જોવા મળે છે, પરંતુ ભવ્ય સૂર્ય મંદિર તો માત્ર મોઢેરાનું સૂર્ય મંદિર જ છે. જેમ મોઢેરાના સૂર્ય મંદિરમાંથી સૂર્યની પ્રતિમા ગાયબ થઈ ગયેલી છે, તેમ વડનગરના સૂર્ય મંદિરમાં પણ બનેલું છે.



સમગ્ર અમથેર માતા મંદિર સંકુલને જોતાં એમ લાગે છે કે, અહીં ઘણું બધું નષ્ટ થઈ ચૂક્યું છે અને જે કંઇ બચેલું છે તે તો મૂળ જે હશે તેનો એક નાનો અંશ માત્ર છે. એવું પણ બને કે, આ સંકુલના ઘણા બધા અવશેષ આસપાસની જમીન નીચે ડટાયેલા પડ્યા હોય, અને તે આ નગરના સૌથી પ્રાચીન અવશેષ સાબિત થાય. આ સંકુલનાં મંદિરોનાં દ્વારની દિશા અને તે એકબીજાની લગોલગ જે રીતે ઊભાં છે તે જોતાં એમ પણ લાગે છે કે, આ સંકુલમાં અત્યારે જે કંઇ જોવા મળે છે તેની આ મૂળ જગ્યા ન પણ હોય. કોઇ કારણવશ આ બધું અન્ય કોઇ વધારે વિશાળ સ્થળેથી ઉતાવળે લાવીને અહીં ગોઠવી દેવામાં તો નહીં આવ્યું હોય ને?



હાટકેશ્વર મંદિર

હાટકેશ્વર મંદિર સંકુલ ઘણું વિશાળ છે અને તેની ખ્યાતિ પણ વધારે છે. આ મંદિર સમૂહ તેરમી સદીમાં બનેલો છે. એમાં મુખ્ય મંદિર શિવને સમર્પિત થયેલું છે. એવી માન્યતા છે કે, વર્તમાન શિવ મંદિર ભલે તેરમી સદીમાં બંધાયેલું હોય, પરંતુ આ જ સ્થાન પર હજારો વર્ષોથી શિવ મંદિરનું અસ્તિત્વ રહેલું છે. પુરાણોના કથન મુજબ તો આ શિવ મંદિર મહાભારત-કાળ કરતાં પણ પહેલાંના સમયનું છે; અને હાટકેશ્વરનું શિવલિંગ સ્વયં પ્રગટેલું 'સ્વયંભૂ શિવલિંગ' છે. મંદિરના ગર્ભગૃહમાં જે જગ્યાએ શિવલિંગનું સ્થાપન થયેલું છે, તે સ્થાન વર્તમાન મંદિરના બાકીના સ્તરથી ઘણું નીચું છે. કદાચ, આ હકીકત એ વાતની દ્યોતક છે કે પુરાણા મંદિરના ભગ્નાવશેષો પર જ નવા મંદિરનું નિર્માણ થયું હોય.




હાટકેશ્વર મંદિર પ્રશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરનું મુખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે, પરંતુ ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ તેનાં અન્ય બે દ્વાર છે. બધાં દ્વાર ભવ્ય છે અને તે બારીક શિલ્પોથી અલંકૃત છે. ત્રણે દ્વારમાંથી મંદિરના હવાદાર વિશાળ મધ્યસ્થ-ખંડમાં જઈ શકાય છે. મધ્ય-ખંડ એક વિશાળ અર્ધગોળ ગુંબજથી ઢંકાયેલો છે. મધ્ય-ખંડની પશ્ચિમમાં ગર્ભગૃહ છે; તેમાં જવા માટે કેટલાંક પગથિયાં ઉતરવાં પડે છે. અહીં જ વિખ્યાત શિવલિંગ વિરાજમાન છે. તેની બરાબર ઉપર ખૂબ ઊંચાઇ પર મંદિરનું મુખ્ય શિખર છે. અહીંથી ઉપર તરફ નજર નાંખતાં એવું લાગે છે કે જાણે આપણે અંતરિક્ષમાં ઊભા રહ્યા હોઇએ. અહીં નિરવ શાંતિ અને દિવ્યતાની અનુભૂતિ થાય છે.

હાટકેશ્વરના સમગ્ર મંદિરમાં ખૂબ જ સુંદર અને બારીક શિલ્પો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. મંદિરની અંદર અને બહારની દિવાલો પર પુરાણ, રામાયણ, મહાભારત, અને અન્ય કથાઓનાં દૃષ્યોને સાકાર કરતાં જીવંત જ લાગતાં અનેક શિલ્પો છે. ક્યાંય પણ શિલ્પ વગરની જગ્યા છે જ નહીં. આ વિભૂષિત શિલ્પો જ હાટકેશ્વરની ઓળખ છે અને તે જ તેને અન્ય મંદિરોથી જુદું પાડે છે.

સોમપુરા મંદિર