મોઢેરાનું સૂર્યમંદિર

સન ૧૦૨૫-૨૬ માં બંધાયેલું, મોઢેરાનું સૂર્ય મંદિર વડનગરના સૂર્ય મંદિર કરતાં ઘણું વિશાળ છે. વલી, તે ઘણી સારી સ્થિતિમાં જળવાયેલું છે. બંને મંદિરોમાંથી સૂર્યની મુખ્ય પ્રતિમાઓ ગાયબ થઈ ગયેલી છે. નિર્વિવાદરુપે મોઢેરાનું મંદિર વડનગરના મંદિર પછી બનેલું છે.




મોઢેરાનું સૂર્ય મંદિર ત્રણ અલગ અલગ હિસ્સાઓનું બનેલું છે. સમગ્ર સંકુલ પૂર્વાભિમુખ છે અને પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલું છે. પૂર્વમાં સૌથી પહેલાં વિશાળ સૂર્ય કુંડ છે. તેની લંબાઇ ૫૩.૬ મીટર અને પહોળાઇ ૩૬.૬ મીટર છે. આ સમકોણીય કુંડ વિભૂષિત શિલ્પોથી ભરપૂર પગથિયાંવાળી દિવાલોનો બનેલો છે. સૂર્ય કુંડ સ્વચ્છ પાણીથી ભરેલો રહેતો હતો. સવારમાં ઉગતા સૂર્યનાં સોનેરી કિરણોના પ્રકાશમાં ઝગમગાતું ભવ્ય મંદિર અને તેનું વિશાળ કુંડમાં દેખાતું ઝિલમિલ પ્રતિબિંબ, પૂર્વમાંથી આવતા કોઇ પણ મુલાકાતીના સામે એક અદભૂત દૃષ્ય સર્જતું હશે.



આ સંકુલનો બીજો હિસ્સો છે સભા મંડપ. અહીં વિભિન્ન પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના, નૃત્ય અને સંગીતની સભાઓ થતી હશે. સૂર્ય મંદિરના સમગ્ર સંકુલમાં સભા મંડપ બારિક અલંકૃત શિલ્પોથી સૌથી વધારે પ્રચૂર છે. અહીં પ્રત્યેક શિલ્પ એટલું તો સુંદર છે કે તેમના શિલ્પકારોના કળા-કૌશલ્ય વિષે આશ્ચર્ય થાય છે. રેતીલા પત્થરોમાં આટલું બારિક અને જીવંત શિલ્પ વિશ્વના અન્ય કોઇ સ્થળે જોવા મળતું નથી. આખો સભા મંડપ એક સંપૂર્ણ સંતુલિત રચના છે. વિશ્વમાં પત્થરો વડે બનેલાં જે કંઇ શ્રેષ્ઠ સર્જનો જોવા મળે છે, તેમાં આ સૂર્ય મંદિરનો સભા મંડપ ગર્વ લઈ શકાય તેટલું ઊંચું સ્થાન ધરાવે છે.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી. આખું સૂર્ય મંદિર વિભિન્ન પ્રકારનાં સુંદર શિલ્પોથી ભરેલું છે. તેમાં સૂર્ય દેવની અનેક અલગ અલગ ભંગવાળી પ્રતિમાઓ છે. પરંતુ આ પ્રતિમાઓમાં, ગર્ભ ગૃહના દ્વારની બરાબર ઉપર આવેલી સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી અગીઆર પ્રતિમાઓ ધ્યાનાકર્ષક છે. સમગ્ર વિશ્વમાં સૂર્યનાં અનેક મંદિરો છે, પરંતુ ક્યાંય પણ સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી એક પણ પ્રતિમા નથી. વાસ્તવમાં, વિશ્વમાં ક્યાંય પણ સૂર્યનાં આટલાં વૈવિધ્યપૂર્ણ અને સુંદર શિલ્પો જોવા મળતાં નથી.

મોઢેરાના સૂર્ય મંદિર વિષે વિશેષ જાણકારી માટે જુઓઃ
૧. સૂર્ય મંદિર મોઢેરા (વિજય એમ મિસ્ત્રી, કેતન એમ. મિસ્ત્રી, અને મણીભાઇ મિસ્ત્રી દ્વારા નિર્મિત તથા ધીરુ મિસ્ત્રી અને ઋષિ રાજ મિસ્ત્રી દ્વારા દિગ્દર્શિત એક અત્યંત સુંદર ડૉક્યુમેન્ટરી)
૨. મોઢેરા, લેખકઃ મણીલાલ મૂળચંદ મિસ્ત્રી (સયાજી બાળ જ્ઞાનમાળા, ૧૯૩૫ દ્વારા પ્રકાશિત એક આધિકારિક પુસ્તક)