પુસ્તકાલય

બંને પુસ્તકાલય શર્મિષ્ઠાને કિનારે આવેલાં છે.


વડનગર ભાગ્યશાળી રહ્યું કે આજથી એકસો વરસ પણ પહેલાં સન ૧૯૦૫ માં એક સારું પુસ્તકાલય તેને મળ્યું. આ પુસ્તકાલયનું સુંદર બે-માળવાળું મકાન શર્મિષ્ઠા સરોવરને કિનારે નગરના મોટા શ્રેષ્ઠી અને દાનવીર શેઠ ભોગીલાલ ચકુલાલ શાહેકરવાળાએ પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં બંધાવ્યું. તેનું નામ રાખવામાં આવ્યું 'શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક પુસ્તકાલય' અને તેના વહીવટ માટે એક ટ્રસ્ટ રચવામાં આવ્યું.



આ નાના દેખાતા પુસ્તકાલયનું ચિત્તાકર્ષક ફર્નિચર વિક્ટોરિયા શૈલિનું છે અને આજે પણ જોવાલાયક લાગે છે. પુસ્તકાલયનાં કબાટ તે વખતનાં વીણી-વીણીને એકઠાં કરેલાં પુસ્તકોથી ભરેલાં છે. અહીં નગરના લોકો ફક્ત પુસ્તકો અને સામયિકો વાંચવા જ નહીં, પરંતુ ચર્ચા-વિચાર કરવા માટે પણ એકઠા થતા હતા. આ નગરની વિદ્યાભિમુખ સંસ્કારિતાને ઉત્તેજન મળી શકે તેવું વતાવરણ અહીં ઊભું કરવામાં આવ્યું હતું.



શેઠ શ્રી પુરુષોત્તમદાસ નરભેરામ પટેલના દાનથી બનેલું નવું પુસ્તકાલય

નગરના લોકોની વાચન રુચિને જોતાં અગાઉનું પુસ્તકાલય નાનું પડવા લાગ્યું, તેથી મહિલાઓ અને બાળકોને માટે એક બીજા મોટા ભવનનું નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી. અને આ ભવન સન ૧૯૩૫માં, શેઠ શ્રી મયાભાઇ મણીલાલ મહેતા કે જેઓ પોતાના જમાનામાં એક અગ્રણી વેપારી અને દૃષ્ટિસભર આગેવાન હતા, તેમના પ્રયત્નોથી સાકાર થયું.



આ નવા આધુનિક ભવનના નિર્માણ માટે નગરના એક બીજા મોટા વેપારી શેઠ શ્રી પુરુષોત્તમદાસ નરભેરામ પટેલે ઉદાર હાથે દાન આપ્યું.


ક્ષતિગ્રસ્ત ભવન

આ નવું ભવન પ્રથમ પુસ્તકાલયથી થોડાંક જ ડગલાં દૂર બન્યું. સન ૧૯૩૫ માં બંધાયેલું આ ભવન વાસ્તુકલા અને ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂના સમાન ગણાયું. જમીન ખુબ ઓછી હોવાને કારણે, ઘડિયાળના ટાવર સહિતની આ બે માળવાળી ઇમારત અડધી જમીન પર અને અડધી ઊંચા થાંભલાઓ પર શર્મિષ્ઠા સરોવરમાં રહે તેવી રીતે બનાવવામાં આવી. થોડાં વર્ષો પહેલાં, આ ભવ્ય ઇમારતના આગળના ભાગમાં કરવામાં આવેલા અવિચારી ખોદકામને કારણે, તેના પાયામાં નુકસાન થયું અને તે આગળ તરફ ઝૂકી પડી. તેની સમતુલા ખોરવાઇ ગઇ. સન ૨૦૦૯માં તેને સીધા કરવાનો અણઘડ પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે તે ભવ્ય ઇમારત અને તેની ઉપરનું અમૂલ્ય ટાવર સમૂળગા જમીનદોસ્ત થઈ ગયાં.



પુસ્તકાલયનું ટાવરવાળું આ ભવ્ય ભવન નગરનું ગૌરવ હતું. શર્મિષ્ઠા સરોવરના કિનારાની શોભા તેને લઈને ઘણી વધી જતી હતી. નગરના બાળકોથી માંડીને વૃધ્ધો સુધી સૌને માટે જ્ઞાનની પરબ અને વિચાર-વિમર્શનું કેન્દ્ર હતું. શું આ સ્થળે આવું ભવ્ય પુસ્તકાલય ફરીથી ક્યારેય બંધાશે?

***

મુખ્ય પૃષ્ઠ જોવા માટે અહીં ક્લિક કરોઃ વડનગર - એક પ્રાચીન નગર