મહાભારતમાં આનર્ત રાજ્ય

મહાભારતના વિભિન્ન પ્રસંગોમાં આનર્ત રાજ્યની મહત્વની ભૂમિકા રહી. આ વાતનો સંદર્ભ મહાભારતની કથામાં અનેક સ્થળે જોવામાં આવે છે. મહાભારતમાં આનર્ત રાજ્ય અને આનર્ત લોકો વિષે અન્ય લોકોની સાથે નિર્દેશ કરેલો છેઃ "પુંદ્ર, ભાર્ગ, કિરાત, સુદેષણા, યમુના, સાક, નિશાધ, આનર્ત, કુંતલ, અને કુસાલ."

પાંડવ-પુત્રો માટે સુરક્ષા-સ્થાન અને તાલિમી કેન્દ્રના રુપમાં આનર્ત

મહાભારતના ત્રીજા પર્વના એક્સો બ્યાસીમા અધ્યાય (મહા. ૩.૧૮૨) માં કહ્યું છે કે, જ્યારે કૌરવોએ પાંડવોને તેમના રાજ્યમાંથી નિષ્કાસિત કર્યા, ત્યારે દ્રૌપદીથી ઉત્પન્ન થયેલા પાંચ પાંડવ-પુત્રોને પણ હસ્તિનાપુરથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. પહેલાં તેઓ પાંચાલ રાજ્ય, કે જે તેમના માતૃપક્ષના નાના (દાદા) ના શાસન તળે હતું, અને પછી આનર્ત રાજ્યમાં ગયા. આનર્ત રાજ્યમાં તેમણે વિખ્યાત આનર્ત યોધ્ધાઓ પાસેથી યુધ્ધની કળા શીખી.



આનર્ત રાજ્યમાં તેના પુત્રો પોતાનો સમય કેવી રીતે વ્યતિત કરે છે તેનું વર્ણન કૃષ્ણ આ શબ્દોમાં દ્રૌપદી આગળ કરે છેઃ "તારા આ પુત્રો શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસ પ્રતિ સમર્પિત છે, સુચારુ વર્તન કરે છે, અને તેમનું આચરણ તેમના સાચા મિત્રોના આચરણ જેવું જ છે. તારા પિતાશ્રી અને ભાઇઓએ તેમની સમક્ષ રાજ્ય અને પ્રદેશનો સ્વિકાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ છોકરાઓને દ્રુપદના નિવાસમાં અને તેમના મામાઓને ત્યાં આનંદ નહોતો મળતો. તેથી તેઓ સહિસલામત આનર્તોના પ્રદેશમાં જઈને શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસમાં સૌથી વધારે આનંદ મેળવે છે. તારા પુત્રો વ્રિશ્નીઓના નગરમાં પ્રવેશ કરે છે અને તેમને ત્વરિત ત્યાંના લોકો પસંદ પડી જાય છે. તેમણે કેવી રીતે આચરણ કરવું જોઇએ તેના માટે જેવી રીતે તું તેમને માર્ગદર્શન આપતી હોત, અથવા માનનિય કુંતિ આપતાં હોત, તેવી જ રીતે સુભદ્રા સતર્કતાથી તેમનું માર્ગદર્શન કરે છે. કદાચ તે તેમનું વધારે ધ્યાન રાખે છે. પ્રદ્યુમ્ન જેવી રીતે અનિરુધ્ધ, અભિમન્યુ, સુનિત અને ભાનુના શિક્ષક છે, તેવી જ રીતે તારા પુત્રોના પણ શિક્ષક અને આશ્રયદાતા છે. અને સારા શિક્ષક, કે જે તેમને ભાલા, તરવાર, ઢાલ, અસ્ત્ર, અને રથ ચલાવવાની કળા, ઘોડેસ્વારી કરવાના, અને બહાદૂર બનવાના પાઠ ઉત્તરોત્તર શીખવે છે. અને તે પ્રદ્યુમ્ન, રુક્મણીનો પુત્ર, તારા પુત્રો અને અભિમન્યુનાં પરાક્રમી કાર્યોથી સંતુષ્ટ થાય છે. હે દ્રુપદપુત્રી! જ્યારે તારા પુત્રો ક્રિડા કરવા માટે બહાર જાય છે, તો દરેકની સાથે રથ, ઘોડા, વાહન, અને હાથી રહેતા હોય છે."

ત્યારપછી, કૃષ્ણ પાંડવોના નિષ્કાસિત નરેશ યુધિષ્ઠીરને બતાવે છે કે પાંડવોના પક્ષે લડવા માટે કયા કયા શૂરવીર આનર્ત સેનાપતિ અને યોધ્ધા તત્પર છે. તેમાં સાતવત, દસાર્હ, કુકુર, અધક, ભોજ, વ્રિષ્ણી, અને મધુ જાતિઓ સામેલ છે. તેઓ પાંડવોના શત્રુઓને હરાવવા માટે તૈયાર છે. હળ જેનું આયુધ છે તે બલરામ પણ ધનુષ્યધારીઓ, ઘોડેસ્વારો, પાયદળના સૈનિકો, અને રથ તથા હાથી પર સવાર યોધ્ધાઓના આગેવાન થશે.



આનર્તમાં કુંતી

મહાભારતના પાંચમા પર્વના ત્ર્યાસીમા અધ્યાય (મહા. ૫.૮૩) માં નિર્દેશ છે કે, પાંડવોના નિષ્કાસનના કાળમાં કેટલાક સમય માટે તેમની માતા કુંતી આનર્ત પ્રદેશમાં રહી.

મહાભારતના યુધ્ધમાં આનર્તોનું જોડાણ


મહાભારતના પાંચમા પર્વના સાતમા અધ્યાય (મહા. ૫.૭) માં આપણને એ બાબતનું વિસ્તૃત વિવરણ મળે છે કે, કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા યુધ્ધમાં આનર્ત યોધ્ધાઓનો સાથ મેળવવા માટે આનર્તપુરની મુલાકત વખતે દુર્યોધન અને અર્જુન બંનેના પ્રયત્નોનું શું પરિણામ આવ્યું.

કેટલાક આનર્ત યોધ્ધાઓએ કૌરવોના સૈન્યમાં સામેલ થવાનું પસંદ કર્યું, તો કેટલાક યોધ્ધાઓએ પાંડવોને સાથ આપવાનું પસંદ કર્યું. યાદવોના નરેશ વાસુદેવ કૃષ્ણ સ્વયં પાંડવો સાથે જોડાયેલા રહ્યા. તેમણે યુધ્ધમાં કોઇ શસ્ત્ર નહીં ઉગામવાનું વચન આપ્યું, પરંતુ તેમાં તેમણે એક રાજનીતિજ્ઞ, શાંતિના દૂત, રણ-નીતિના સલાહકાર, અને અર્જુનના માર્ગદર્શક તથા તેના રથના સારથિ તરીકે ભાગ લેવાનો નિશ્ચય કર્યો. કોણ જાણે કેમ, તેમણે સંખ્યાબંધ યોધ્ધાઓનું બનેલું 'નારાયણ' નામથી ઓળખાતું પોતાનું સૈન્ય કૌરવોના આગેવાન દુર્યોધનને આપ્યું.

કૃષ્ણના ભાઇ બલરામની ઇચ્છા દુર્યોધનની મદદ કરવાની અને કૌરવ સેનાને પક્ષે લડવાની હતી. પરંતુ તેમ કરવાથી બલરામે પોતાના જ ભાઇ કૃષ્ણની સામે લડવું પડે તેમ હતું, કેમકે કૃષ્ણે પાંડવોના આગેવાન અર્જુનના સારથી બનવાનું પસંદ કર્યું હતું. આથી તેમણે નિષ્પક્ષ રહેવાનું પસંદ કર્યું. છેવટે, તેમણે યુધ્ધમાં બિલકુલ ભાગ જ ન લેવાનો નિશ્ચય કર્યો અને તેઓ સરસ્વતી નદીની તટ-યાત્રા પર ચાલ્યા ગયા.



આનર્ત યોધ્ધાઓનો સંહાર

ભોજ યાદવ સેનાપતિ કૃતવર્મ પોતાની એક અક્ષૌહિણી સેના લઈને કૌરવો સાથે જોડાઇ ગયો. તેની સામે, બીજો મહાન આનર્ત સેનાપતિ સત્યકી, જેની પાસે પણ એક અક્ષૌહિણી સેના હતી, પાંડવોના પક્ષે ગયો. આ બંને પોતપોતાની સેના લઈને એક બીજાની સામે લડ્યા અને સ્વયં પણ એકબીજા સાથે દ્વંદ્વ-યુધ્ધમાં ઉતર્યા. (મહા. ૯.૨૧).

આ બંને આનર્ત સેનાપતિઓ કુરુક્ષેત્રના યુધ્ધમાંથી તો જીવિત પાછા આવ્યા. પરંતુ તેના છત્રીસ વર્ષ બાદ, એક દિવસ તેમના વચ્ચે મહાભારતના યુધ્ધ દરમિયાન અનુચિત રીતભાતનો ઉપયોગ કરવાની વાતને લઈને ઝઘડો થઈ ગયો. તે બંને મદિરાના નશામાં હોવાથી મારામારી પર આવી ગયા. અને ગાંધારીએ અગાઉથી ભવિષ્યકથન કર્યું હતું તે પ્રમાણે, બાકીના યાદવોની સાથે સાથે તેઓ પણ અંદરોઅંદર લડીને એકબીજા વડે જ માર્યા ગયા. (મહા. ૧૬.૩.).

આવી રીતે, કુરુક્ષેત્રનું યુધ્ધ એટલા બધા આનર્ત યોધ્ધાઓના સંહારનું નીમિત્ત બન્યું કે, તેની પશ્ચાત્ આનર્તોના સૈનિક આધિપત્યનો અસ્તાંચળ થઈ ગયો.

[મહાભારતનો સંદર્ભઃ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું મહાભારત, અંગ્રેજી ભાષાંતરઃ કૈસરી મોહન ગાંગુલી, ભારત પ્રેસ, કલકત્તા, ૧૮૮૩-૯૭.]