નવીન સર્વ વિદ્યાલય

સન ૧૯૪૦ માં શેઠ શ્રી માનચંદદાસ કુબેરદાસ પટેલે પોતાના પિતા શ્રી કુબેરદાસ પટેલના સ્મરણાર્થે નવીન સર્વ વિદ્યાલયની સ્થાપના કરી. આ વિદ્યાલય આગળ જતાં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી વિકસ્યું. શ્રી માનચંનદદાસ વડનગરના સપૂત હતા અને તેમનો મુંબઈમાં મોટો વેપાર હતો. મૂળ તો, તેમણે કુબેરવાડી નામનું એક મોટું ભવન બંધાવ્યું હતું અને તેમાં અનાથ બાળકો માટે 'બૉર્ડિંગ હાઉસ' સ્થાપ્યું હતું.



આ ભવન તેમના પરમ મિત્ર અને નામાંકિત સ્થપતિ શ્રી પુરુષોત્તમદાસ હરિકરણ સુથારના માર્ગદર્શન નીચે બન્યું હતું. જ્યારે શ્રી માનચંદદાસે તેનો ઉપયોગ વિદ્યાલય માટે કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે તેનો બધો કાર્યભાર પણ શ્રી પુરુષોત્તમદાસને સોંપ્યો, કેમકે તેઓ પોતે તો મુંબઈથી વડનગર વર્ષે બે વર્ષે થોડાક દિવસો પૂરતા જ આવતા.



પહેલા વર્ષે તો વિદ્યાલય એક જ વર્ગથી શરુ થયું, ત્યારપછી દર વર્ષે આગળનું એક ધોરણ વધારવામાં આવ્યું. આમ, આગળનાં દસ વર્ષમાં તેને પૂર્ણ હાઇસ્કૂલ બનાવવામાં આવી. આ કામ કંઇ સરળ નહોતું. દર વર્ષે શાળાના નવા વર્ગ-ખંડની ફર્નિચર બનાવડાવવાથી માંડીને નવા શિક્ષક શોધી કાઢવા સુધીની વ્યવસ્થા કરવાની રહેતી. અને આ વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ આપવાનો હતો, તેથી તે જાતના અભ્યાસક્રમો અને શિક્ષકો જરુરી બનતા. સાથે સાથે અનાથ બાળકો માટે એક જુદા જ ભવનના નિર્માણનું કામ પણ કરવામાં આવ્યું. અનાથ બાળકોના આ છાત્રાલયની વ્યવસ્થા શ્રી બાબુભાઇ વિઠ્ઠલદાસ પટેલે નિસ્પૃહ ભાવે ઉપાડી લઈને ન ભૂલાય તેવી સેવા કરી. આ સમગ્ર યોજના વિષેની વિશિષ્ટ વાત તો એ હતી કે તે માટે જરુરી તમામ ધન શ્રી માનચંદદાસ પટેલે એકલાએ જ દાનરુપે પૂરું પાડ્યું. ન તો એમણે ક્યારેય કોઇની મદદ માંગી, કે ન ક્યારેય વિદ્યાલયના વિકાસ માટે દાન આપવામાં કોઇ પણ રીતે પાછી પાની કરી.

સન ૧૯૫૪માં શ્રી માનચંદદાસ અને સન ૧૯૫૬માં શ્રી પુરુષોત્તમદાસનું અવસાન થઈ ગયું. પરંતુ બંનેએ દૂરદર્શિતા વાપરીને વિદ્યાલયની બધી વ્યવસ્થા શ્રી સુખલાલ બેચરદાસ પટેલની અધ્યક્ષતામાં બનેલી એક સ્થાનિક સમિતિને સોંપી દીધી હતી. તેમની આગેવાનીમાં જ વિદ્યાલયને ઉચ્ચતર માધ્યમિક શાળા, અને તે પણ વિજ્ઞાન પ્રવાહમાં, નો દરજ્જો પ્રાપ્ત થયો. વળી, વધતા જતા વિદ્યાર્થીઓની સંખ્યાને સમાવિષ્ટ કરવા માટે જુના ભવનની બાજુમાં જ એક નવા મકાનનું નિર્માણ થયું.

આ વિદ્યાલય શરુઆતથી જ રાષ્ટ્રીય શિક્ષણને અનુરુપ ઉચ્ચ કક્ષાની શક્તિઓ ધરાવતા અધ્યાપકો મેળવવામાં ભાગ્યશાળી રહ્યું. વિદ્યાલયના સર્વાંગી વિકાસમાં, શરુઆતનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી વિરેન્દ્રરાય કૃષ્ણપ્રસાદ વ્હોરા અને પાછળનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી અંબાલાલ સોમભાઇ પટેલની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાનો ફાળો નાનોસૂનો નથી. અડધા શતક કરતાં પણ વધારે સમય પહેલાં કે જ્યારે દેશ સ્વતંત્ર પણ નહોતો, ત્યારે એક વર્ગથી શરુ થયેલું આ વિદ્યાલય આજે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે આ વિસ્તારમાં પ્રથમ પસંદગીની શાળા મનાય છે.



અત્યારસુધીમાં, આ વિદ્યાલયમાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ તેજસ્વી કારકિર્દી બનાવી છે; અને તેમાંના કેટલાય પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે.