પાટણ

આનર્ત રાજ્યનો અસ્ત થયા બાદ, પ્રથમ વલ્લભી અને ત્યારબાદ પાટણ ગુજરાતની રાજધાની બન્યાં. સન ૭૪૫ માં વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. સન ૮૪૨ અને ૧૨૪૪ ની વચ્ચે ત્રણ સદીઓ જેટલા લાંબા સમય સુધી, તે સોલંકી રાજવીઓ મૂળરાજ, કુમારપાળ, અને સિધ્ધરાજની રાજસત્તામાં પોતાના વિકાસ અને વૈભવના શિખરે રહ્યું. તે સમયે સંપત્તિ અને સંસ્કારિતામાં તેની બરાબરી કરી શકે તેવું એક પણ શહેર આખા પશ્ચિમ ભારતમાં ક્યાંય નહોતું.



સન ૧૨૪૪ થી વાઘેલા રાજવીઓ પાટણમાં સત્તા પર આવ્યા, પરંતુ તેઓ કંઇ વધારે તાકાતવાળા સાબિત થયા નહીં. સન ૧૩૦૪ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું અને પાટણમાં તેના સૂબાને સત્તા સંભાળવા મૂક્યો. સન ૧૪૧૧ માં સુલતાન અહમદ શાહ ગુજરાતની રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ લઈ ગયો.