યુનાની અનુસંધાન

ઇસવીસન પૂર્વે ૩૨૬ માં, યુનાનથી નીકળેલો મેસેડોનિયાનો મહાન સિકંદર, કે જે 'એલેક્ઝાંડર ધી ગ્રેટ' ના નામથી પ્રખ્યાત થયો, વિશ્વવિજેતા બનવાની અભિલાષામાં ભારતની સીમા સુધી પહોંચી ગયો. તે સમયમાં, આજના ભારત અને પાકિસ્તાનમાં વહેંચાઇ ગયેલો આખો પંજાબ પ્રદેશ પોરસ નામના રાજાના અધિકાર નીચે હતો. ઝેલમના યુધ્ધમાં સિકંદરે પોરસને પરાજિત કરીને પંજાબથી લઈને ગુજરાતની સીમાઓ સુધી ફેલાયેલો પશ્ચિમ ભારતનો એક મોટો ભાગ પોતાના કબ્જામાં કરી લીધો. હવે, સિકંદરની ઇચ્છા પૂર્વ તરફ આગળ વધવાની હતી. આમ તો, પંજાબ જેવા સીમાવર્તી રાજ્યના પોરસ પાસે ઉત્તર-પૂર્વમાં સ્થિત મગધ નરેશ ચંદ્રગુપ્ત અને તેના જેવા અન્ય શક્તિશાળી રાજવીઓ જેવી ખાસ કોઇ મોટી સેના નહોતી, તેમ છતાં જે બહાદૂરી અને જુસ્સાથી તેણે સિકંદરનો સામનો કર્યો તેનાથી સિકંદરની સેના હતપ્રભ થઈ ગઈ અને તેનો ઉત્સાહ ધીમો પડી ગયો. તેના બધા સેનાપતિઓ એ વાતે ભયભીત થઈ ગયા કે, એક નાનકડા સીમાવર્તી રાજ્યની સેના આવો દૃઢ સામનો કરી શકે છે, તો ખરેખર મોટા રાજ્યની સેનાઓ કેટલી બધી શક્તિશાળી હશે. સિકંદરના મોટા ભાગના સેનાપતિઓ અને સૈનિકો હવે વધારે આગળ વધવાની વિરુધ્ધ થઈ ગયા અને બળવો પોકારી ઊઠ્યા. તેમણે સિકંદરને ભારત પર વિજય મેળવવાની મહત્વકાંક્ષા છોડીને સ્વદેશ તરફ પાછા વળી જવા માટે વિવશ કરી દીધો. તેણે પૂર્વમાં આગળ વધવાનો ઇરાદો તો છોડી દીધો, પરંતુ પોતાના સેનાપતિઓ અને સેનાને સિંધુ નદીને કિનારે કિનારે અરબી સમુદ્ર તરફ આગળ વધવા માટે સમજાવી લીધા. પંજાબની ઉત્તરમાંથી સિંધુને રસ્તે આગળ જતાં પહેલાં, તેણે પોતાના સ્થપતિઓ અને કારીગરોને બીઆસ નદીના તટ પર યુનાનના ઓલમ્પીઅન દેવોને અર્ઘ્ય આપવાને વાસ્તે વેદીઓનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો.

આઠસો નૌકાઓનો એક મોટો બેડો બનાવવામાં આવ્યો હતો અને સિકંદરની અડધી સેના નૌકાઓ પર સવાર થઈને અને બાકીની અડધી સેના સિંધુના બંને કિનારા પર કૂચ કરતી આગળ વધી. સિકંદર અને તેની સેનાએ તે રસ્તે જે કંઇ ગતિરોધનો સામનો કરવો પડ્યો તેના પર તેમણે સહેલાઇથી કાબૂ મેળવી લીધો, કેમકે તે ક્ષેત્રમાં કોઇ મોટાં શક્તિશાળી રાજ્યો નહોતાં. ઇસવીસન પૂર્વે ૩૨૫ના જુલાઇ માસમાં તે અરબી સમુદ્ર આગળ સિંધુ નદીના મુખ પાસે પહોંચી ગયો. સિંધુ નદીની બંને પ્રશાખાઓને રસ્તે છેક અરબી સમુદ્રના કિનારા સુધીના સમગ્ર પ્રદેશની તેણે તપાસ કરી. અહીંથી તેણે પોતાની અડધી સેનાને સમુદ્રના રસ્તે યુનાન તરફ પાછી મોકલી અને તે પોતે બાકીની અડધી સેના લઈને જમીન માર્ગે પોતાના વતન તરફ પાછો વળ્યો.



સિકંદર એક મહાન વિજેતા જ નહીં, પરંતુ એક સમજદાર ફિલસૂફ પણ હતો. જેટલો સમય તે ભારતમાં રહ્યો તેમાં તેણે ભારતીય તત્વજ્ઞાનીઓ અને પંડિતોને આમંત્રિત કર્યા અને તેમની સાથે વાદ-વિવાદ કર્યો. તણે પોતાના સૈનિકોને સ્થાનિય લોકો સાથે હળવા-મળવા અને અહીંની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી. જો તેના વિવાહિત સૈનિકો ઇચ્છતા હોય, તો તેઓ ભારતમાં સ્થાયી થઈને રહી શક્તા હતા. આ ઉપરાંત, સિકંદર તેના ઘણા પ્રતિનિધિઓને ભારતમાં મૂકી ગયો હતો. જ્યારે તેની સેનાએ કચ્છના પ્રદેશથી યુનાન તરફ પાછા વળવાનું શરુ કર્યું, ત્યારે ઘણા યુનાનીઓએ પાછા જવાના કઠિન રસ્તે પડનારી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે ભારતમાં જ રહી જવાનું પસંદ કર્યું. સિકંદરે તેમની ઇચ્છા આડે આવ્યો નહીં, ઉલટાનું તેણે તેમને પ્રોત્સાહિત કર્યા. સિકંદર ઇચ્છતો હતો કે, ભલે તે ભારત પર વિજય ન મેળવી શક્યો, પરંતુ તે હંમેશ માટે ભારત પર યુનાનની છાપ છોડતો જાય.

ઇસવીસન પૂર્વે ૩૨૫ માં કચ્છ વિસ્તાર આનર્ત પ્રદેશનો પશ્ચિમી સીમાવર્તી ભાગ હતો. અને આનર્ત પ્રદેશની રાજધાની આનર્તપુર (જેને આજે આપણે વડનગરના નામથી ઓળખીએ છીએ) ખૂબ જ સમૃધ્ધ નગર હતું. સિકંદરની સેનાથી વિખૂટા થયેલા આ યુનાનીઓ પોતાના દેશમાં નગરોમાં રહેવાવાળા હતા, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ આનર્તપુરથી આકર્ષિત થઈને કચ્છથી તે તરફ જવા નીકળી પડ્યા અને ત્યાં પહોંચીને તે નગરમાં વસી ગયા. યુનાનીઓ ઉજળા વાનવાળા, વાંકડિયા વાળવાળા, તેજસ્વી આંખોવાળા, સુડોળ શરીર-સૌષ્ઠવવાળા, અને બુધ્ધિમાન હતા. ભારતીયોની જેમ જ તેઓ પણ અનેક દેવી-દેવતાઓના પૂજક હતા. યુનાનથી ભારત સુધી આવતાં રસ્તામાં તેમણે ઘણાં નગરો અને રાજ્યો પર વિજય મેળવ્યો હતો, અને લૂટમાં બહુ ધન-દોલત એકઠી કરી હતી.

સિકંદરની સેનામાંથી છૂટા પડેલા બધા યુનાનીઓ સૈનિકો નહોતા. તે સમયમાં સૈન્યની સાથે સૈનિકોની વિભિન્ન જરુરિયાતો પૂરી પાડવા માટે ઇજનેરો, જુદી જુદી જાતના કારીગરો, રસોઇયાઓ, નાચ-ગાન અને અન્ય મનોરંજન કરનારા, સામાન્ય મજૂરો, વગેરે અનેક જાતના લોકો પણ રહેતા. આવા મિશ્ર પ્રકારના યુનાનીઓનો સમૂહ આનર્તપુર આવ્યો. આ યુનાની સમૂહમાં પરુષો વધારે અને સ્ત્રીઓ ઘણી ઓછી સંખ્યામાં હતી. પરંતુ તેમાંના અવિવાહિત પરુષોને આ નગરની સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરવામાં કોઇ મુશ્કેલી નડી નહી, કેમકે તેમની પાસે એક અવિવાહિત સ્ત્રી ઇચ્છે તે બધું જ હતું. થોડાક જ વખતમાં તેઓ આ નગરના લોકોમાં પૂરેપૂરા ભળી થઈ ગયા. હાટકેશ્વર જેમના ઇષ્ટદેવ છે તે નાગર સમાજની ઉત્પત્તિ વિષે જે અનેક માન્યતાઓ પ્રચલિત છે તેમાંની એક એ છે કે, સિકંદરની સેનાથી વિમુક્ત થઈને જે યુનાનીઓ આ નગરમાં આવ્યા તેમનાથી સંમિશ્રિત થઈને ઉત્પન્ન થયેલો તે સમાજ છે.



ઘણો સમય વીતી ગયા બાદ, આજે પણ આ માન્યતા પ્રવર્તે છે. શર્મિષ્ઠાને કિનારે અને અન્ય સ્થળે થયેલા પુરાતવીય ઉત્ખનનમાંથી જે યુનાની સિક્કા અને અન્ય અવશેષો પ્રાપ્ત થયા છે તે આ માન્યતાની પુષ્ટિ કરે છે. નાગરોમાં પ્રવર્તમાન વ્યાપક માન્યતા કે, તેઓ કચ્છથી આવ્યા છે તે પણ મજબૂત મૂળ નાંખીને પડેલી જોવા મળે છે. આ સહેલાઇથી ઉવેખી શકાય તેમ નથી. નાગરો અને યુનાનીઓમાં જે શારીરિક સામ્યતા જોવા મળે છે, તેની ઉપેક્ષા કરવાનું પણ મુશ્કેલ લાગે છે. તેમનામાં નગરોમાં વસવાટ કરવા પ્રત્યે જે નૈસર્ગિક વૃત્તિ છે, તે જાણે કે જૈનિક પ્રકારની દેખાય છે.

યુનાની લોહી નાયક અને સોમપુરા જેવી અન્ય કોમોની નસોમાં પણ વહેતું હશે. યુનાનીઓ નાટ્ય અને શિલ્પ જેવી કળાઓમાં બહુ નિપૂણ હતા. જુના વખતમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાં સંગીત અને નૃત્ય કળાનો તો વિકાસ થયો હતો, પરંતુ વડનગરના નાયકો નાટ્ય કળામાં અગ્રેસર હતું. તેવી જ રીતે, અહીંના 'સોમપુરા' તરીકે ઓળખાતા શિલ્પકારોએ યુનાની શિલ્પોમાં જે યથાર્થતા અને સફાઇ જોવા મળે છે તેને જ પ્રતિબિંબિત કરતાં શિલ્પોનું સર્જન કર્યું. પુરાતત્વીય અન્વેષણોથી ભવિષ્યમાં કોઇ દિવસ આપણને યુનાની અનુસંધાનની નક્કર સાબિતીઓ મળી શકે.

ગ્રીસમાં એથેના દેવીનું મંદિર>

અત્યારસુધી તો વડનગરમાં બહુ થોડા પ્રમાણમાં પુરાતત્વીય ઉત્ખનન થયું છે. અને, જે કંઇ ઉત્ખનન થયું છે તે પણ પુરાણા નગરની બહારનાં સ્થળોએ થયેલું છે. જેના પર જુનું નગર વસેલું છે તે, લગભગ ચાર ચોરસ કિલો મીટરના કૃત્રિમ ટેકરા પર તો કોઇ પુરાતત્વીય ખોદકામ થયું જ નથી. એમ બને કે, આ ટેકરામાં જ અમૂલ્ય પુરાતત્વીય ખજાનો સમગ્ર વિશ્વની સમક્ષ ખુલ્લા થવાની રાહ જોતો દટાયેલો પડ્યો હોય!