રેલ્વે આવી

સન ૧૮૫૨ માં ભારતમાં મુંબઈ અને થાણેની વચ્ચે પ્રથમ રેલ્વેના પાટા નાંખવામાં આવ્યા. આ પાટા પર ૧૬ મી એપ્રિલ ૧૮૫૩ ના દિવસે આ બે સ્ટેશનો વચ્ચેનું ૩૪ કિલો મીટરનું અંતર કાપતી પહેલી રેલગાડી દોડી.




શ્રી જેઠાભાઇ મારફતિયાએ રાખેલી નોંધ પ્રમાણે વડનગરમાં સન ૧૯૦૭ સુધીમાં તો રેલ્વે આવી ગઈ હતી. તેનાથી આ નગર આખા દેશ સાથે જોડાઇ ગયું અને વેપારની બધી દિશાઓ ખુલી ગઈ. હવે, વડનગર અને તેની આસપાસના પ્રદેશમાં ઉત્પન્ન થતો માલ-સામાન દૂર-સુદૂરનાં સ્થળોએ સહેલાઇથી મોકલી શકાતો હતો. તેવી જ રીતે દૂર દૂર નાં ઉત્પાદન કેન્દ્રોમાંથી વિધવિધ પ્રકારની ચીજવસ્તુઓ આ નગરમાં આવવા લાગી.



અહીંનો વેપાર ઝડપથી વધવા લાગ્યો; અને થોડાંક જ વર્ષોમાં આ નગર કૃષિ અને ઔદ્યોગિક પેદાશો માટેનું એક મોટું બજાર બની ગયું. ગોળના વેપાર માટે તો આખા ગુજરાતનું તે સૌથી મોટું કેન્દ્ર બની ગયું; તે એટલે સુધી કે, વડનગરના વેપારીઓ અમદાવાદના બજારને ગોળ પૂરો પાડતા હતા. તેવી જ રીતે ઇમારતી લાકડાના વેપારનું પણ તે મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. અહીંના વેપારીઓ બર્મા (આજનું મયાનમાર), મલ્બાર, આસામ, અને નેપાળમાંથી ઇમારતી લાકડું ખરીદી લાવતા હતા અને તે પોતાની લાટીઓમાં વહેરીને આખા ઉત્તર ગુજરાતમાં વેચતા હતા. વડનગર કાપડ રંગવા અને તેના પર છાપકામ કરવાના ઉદ્યોગ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત થયું. અહીંની ભાવસાર અને છીપા કોમો આ ઉદ્યોગ ચલાવતી હતી અને તેમના કળા-કૌશલ્ય માટે તે મોટી નામના ધરાવતી હતી. અહીં તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનો મોટો ઉદ્યોગ ખીલ્યો, કેમકે નગરની કંસારા કોમના કારીગરોની તોલે આવે તેવા કારીગરો અન્યત્ર મળવા બહુ મુશ્કેલ હતા.

કૃષિ પેદાશોના વેપારમાં પણ આ નગર ઘણું આગળ વધ્યું. અહીંના વેપારીઓ કઠોળ, તેલીબિયાં, જીરુ, રાયડો, કપાસ, વગેરે જેવી આસપાસના પ્રદેશમાં પાકતી કૃષિ પેદાશોનો મોટો વેપાર કરતા હતા. કૃષિ પેદાશો પર આધારિત ત્રણ મોટા ઉદ્યોગો પણ અહીં ઊભા થયા. તેલીબિયાં પીલીને તેમાથી તેલ કાઢવાનો ઘાણી ઉધોગ શરુમાં બળદ-ઘાણી અને પછી ઓઇલ એન્જિન તથા વીજળિક મોટરથી ખૂબ વિકસ્યો. ડાંગર છડીને ચોખા અને કઠોળની દાળ તૈયાર કરવા માટે પણ 'રાઇસ એન્ડ પલ્સ' મિલો ઊભી થઈ. અને તેવી જ રીતે, કપાસ પીલીને રુની ગાંસડીઓ તૈયાર કરવાની જિનિંગ ફેક્ટરી પણ અહીં બની.

આ એવો સમય હતો કે, જ્યારે અહીં પેદા થતો માલ-સામાન બહાર મોકલવા માટે જોઇતાં રેલ્વેનાં વેગનો મેળવવા વેપારીઓ પડાપડી કરતા અને રેલ્વે ગોદામ રાત-દિવસ પ્રવૃત્તિથી ધમધમતું રહેતું હતું.

એ ન ભૂલવું જોઇએ કે, વીસમી સદીનાં પ્રથમ પચાસ વર્ષો દરમિયાન નગરમાં વેપાર અને ઉદ્યોગને લગતી આ બધી પ્રવૃત્તીઓ ઊભી થઈ અને તેમનો ઝડપી વિકાસ થયો તેમાં રેલ્વે અને વીજળીની ઉપલબ્ધિએ અમૂલ્ય ફાળો આપ્યો.

[રેલ્વે સ્ટેશનની જુની છબીઓ અને દસ્તાવેજ શ્રી અમૃતભાઇ પટેલના સૌજન્યથી પ્રાપ્ત થયેલાં છે.]