લોથલ

મોહેં-જો-દરો અને હરપ્પા પછી, સિંધુ સભ્યતાનું શોધી કાઢવામાં આવેલું ત્રીજું સૌથી મોટું નગર છે લોથલ. તે ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરથી ૮૩ કિલો મીટર (૫૩ માઇલ) દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. સન ૧૯૫૫ થી ૧૯૬૨ નાં વર્ષોમાં તે આર્કીઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા વિખ્યાત પુરાતત્ત્વવિદ ડૉ. એસ. આર. રાવના નેતૃત્વમાં શોધી કાઢવામાં આવ્યું હતું.


સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની સાથે ડૉ. એસ. આર. રાવ, ૧૯૬૧



ઇસવીસન પૂર્વે ૨,૫૦૦ થી ૧,૯૦૦ નાં વર્ષોમાં લોથલ એક વિકસિત બંદરી શહેર હતું. તે પહોળા પટવાળી સાબરમતી નદી દ્વારા ખંભાતની ખાડીથી અરબી સમુદ્ર સાથે જોડાયેલું એક સંરક્ષિત બંદર હતું. તે દિવસોમાં, લોથલથી નદીને રસ્તે પશ્ચિમ ભારતમાં આવેલાં અન્ય કેટલાંયે નગરો સુધી પહોંચી શકાતું હતું. આને કારણે લોથલનું વ્યાપારી મહત્ત્વ ઘણું વધી ગયું હતું. તે વખતે, તે પશ્ચિમ ભારતમાંથી લાવેલી અનેક પ્રકારની ચીજ-વસ્તુઓ અરબી સમુદ્રના માર્ગે બહારની દુનિયાના દેશોમાં નિર્યાત કરતું હતું. અને તે દેશોમાંથી વિધવિધ ચીજોની અહીં આયાત કરતું હતું.



સન ૧૯૫૫ માં શરુ થયેલા પુરાતત્ત્વીય ઉત્ખનનના આરંભમાં જ અહીં એક સાથે ઘણાં મોટાંમોટાં વહાણો લાંગરી શકે તેવો મોટો જહાજવાડો મળી આવ્યો. આ જહાજવાડો ઉચ્ચ ગુણવત્તાવાળી પાકી ઇંટો વડે બનાવવામાં આવ્યો હતો. અને તે વિભિન્ન ઋતુઓના ફેરફાર, પાણીનું વહેણ, અને માલ-સામાનની હેરાફેરીથી થતા ઘસારાને સારી રીતે સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો. આ જહાજવાડાનું સૌથી વિશિષ્ટ લક્ષણ તેની પાણી નિયંત્રિત કરવાની વ્યવસ્થા હતું. એકવાર વહાણ જહાજવાડાની અંદર આવી જાય, ત્યારબાદ આ વ્યવસ્થાને કારણે તે સમુદ્રની ભરતી તેમજ ઓટ અને નદીના પુરની સામે એકદમ સુરક્ષિત થઈ જતું. જહાજવાડા સાથે જોડાતી નહેર અને જહાજવાડાની વચ્ચે આવેલા નાળાને ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થાને કારણે આ શક્ય બનતું હતું. અત્યારસુધીમાં, પુરાતત્ત્વવિદોને વિશ્વમાં કોઇ પણ જગ્યાએથી આજથી ચાર હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવેલી આવી ઇજનેરી વ્યવસ્થાનો નમૂનો પ્રાપ્ત થયો નથી.


અત્યારે તો જહાજવાડામાં વરસાદી પાણી ભરાય છે. ખંભાતની ખાડી તો અહીંથી ઘણે દૂર ચાલી ગઈ છે. પરંતુ એક જમાનામાં આ જહાજવાડામાં આવાં વહાણો આવતાં-જતાં હશે અને લોથલનો વ્યાપાર દુનિયાનાં અન્ય બંદરો સાથે તેમની મારફતે ચાલતો હશે.