ચમત્કારપુર

પુરાણા સમયમાં કોઢની વ્યાધિથી પીડિત ચમત્કાર નામનો એક રાજા જ્યારે આ નગર પાસે આવેલા શક્તિતીર્થ નામના સરોવરમાં સ્નાન કરવાથી કોઢથી મુક્ત થઈ ગયો, ત્યારે તે એટલો તો ખુશ થઈ ગયો કે તેણે આ નગરનું પુનઃનિર્માણ કરાવ્યું અને તેનું નામ પણ બદલીને ચમત્કારપુર પાડી દીધું.

ચમત્કાર રાજાની વાત કંઈક એવી છે કે, એક દિવસે મૃગયા (શિકાર) કરતાં કરતાં તેણે બે હરણનો પીછો કર્યો. આ બે હરણમાં એક નર હતો અને બીજી માદા હતી. રાજાએ જ્યારે બાણ છોડ્યું ત્યારે તે નર હરણને વાગ્યું અને તે મરી ગયો. આનાથી તેની હરણી અત્યંત દુઃખી થઈને તડપી ઊઠી અને તેણે રાજાને શ્રાપ આપ્યો કે, તેના આખા શરીરે કોઢ નીકળે અને તે પણ તેનાથી દુઃખી થાય. હવે, આ શ્રાપને કારણે જ્યારે ચમત્કાર રાજાના શરીરે કોઢ થઈ ગયો, ત્યારે તેની બધી રાણીઓ અને રાજ્યના સર્વ પ્રજાજનો તેનો તિરસ્કાર કરવા લાગ્યા.

અનેક ઉપચારો કરવા છતાં તેનો કોઢ મટ્યો નહીં. રાજા તો દુઃખી દુઃખી થઈ ગયો. અંતે, એક મોટા ઋષિએ તેને સલાહ આપી કે શક્તિતીર્થ નામના સ્થળે આવેલા સરોવરમાં સ્નાન કરવાથી તેનો કોઢ મટી શકે. તે સરોવરની શોધ કરતો આ નગરની પાસે આવ્યો, અને તે સરોવરના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં જ તે સાચેસાચ કોઢથી મુક્તિ પામ્યો. વ્યાધિ-મુક્ત થતાં તે એટલો તો ખુશ થયો કે તેણે તે નગરમાં અનેક ભવ્ય મંદિરો અને આકર્ષક પ્રાસાદનું નિર્માણ કરાવીને તેને અત્યંત સુંદર બનાવી દીધું.

* * *

યાજ્ઞવલ્ક્ય


આ ચમત્કારપુરમાં જ, પિતા બ્રહ્મરથ અને માતા સુનંદાને ઘેર, પ્રખ્યાત ઋષિ યાજ્ઞવલ્ક્યનો જન્મ થયો. યાજ્ઞવલ્ક્યનો અર્થ થાય છે "વેદોના જાણકાર." તેઓ એક મહાન વિદ્વાન બન્યા. તેમણે 'યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ' નામનો ગ્રંથ લખ્યો. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને અનેક શિષ્યો તેમના આશ્રમમાં અભ્યાસ કરવા આવતા હતા. યાજ્ઞવલ્ક્ય વિષે અનેક રસપ્રદ બોધકથાઓ છે.

બૃહદરણ્યક ઉપનિષદ (૩.૯.૧) માં આપેલી એક વાત વિદગ્ધ નામના એક શિષ્ય વિષે છે. આ શિષ્યને એ જાણવાની જિજ્ઞાસા થાય છે કે ઇશ્વરની સંખ્યા કેટલી છે. તો, તે શિષ્ય અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે આ પ્રમાણે સંવાદ થાય છેઃ

પછી, શકલના પુત્ર વિદગ્ધે તેમને પૂછ્યું, "ઇશ્વર કેટલા છે, યાજ્ઞવલ્ક્ય?"
યાજ્ઞવલ્ક્યે 'નિવિદ' નામના મંત્ર-સમૂહની સંખ્યા પરથી જવાબ આપ્યો, "'નિવિદ'માં બતાવવામાં આવ્યું છે તેટલા - ત્રણસો ત્રણ, અને ત્રણ હજાર ત્રણ." "બહુ સારું,"
શકલપુત્રે કહ્યું, "અને કેટલા ઇશ્વર છે?"
"તેત્રીસ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"છ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"ત્રણ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"બે."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"દોઢ."
"બહુ સારું, અને કેટલા ઇશ્વર છે, યાજ્ઞવલ્ક્ય?"
"એક."

* * *